<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

હાઈવે પર મુસાફરી થશે મોંઘી: ૧ એપ્રિલથી ફાસ્ટેગના નવા દરો અમલી, જાણો તમારા ખિસ્સા પર કેટલી પડશે અસર

નવા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ની શરૂઆત સાથે જ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાનો ઝટકો:વાર્ષિક ફાસ્ટેગ પાસની કિંમતમાં વધારો કરવાની સત્તાવાર જાહેરાત: દેશભરના ૧૦૦૦થી વધુ ટોલ પ્લાઝા પર લાગુ થશે નવો નિયમ

નવી દિલ્હી: નેશનલ હાઈવે અને એક્સપ્રેસવે પર પોતાની કાર લઈને ફરતા મુસાફરો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ૧ એપ્રિલ, ૨૦૨૬થી શરૂ થતા નવા નાણાકીય વર્ષમાં માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે ટોલ ટેક્સના ભારણમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. NHAI દ્વારા કરવામાં આવેલી નવી જાહેરાત મુજબ, હવે ફાસ્ટેગ (FASTag) વાર્ષિક પાસ મેળવવો મોંઘો પડશે. આ ફેરફાર મુખ્યત્વે તે લોકો માટે છે જેઓ લાંબા અંતરની મુસાફરી કરે છે અને વારંવાર ટોલ ક્રોસિંગથી બચવા માટે વાર્ષિક સબ્સ્ક્રિપ્શનનો વિકલ્પ પસંદ કરતા હોય છે. આ નિયમ દેશભરના તમામ મુખ્ય ધોરીમાર્ગો પર એકસાથે લાગુ કરવામાં આવશે.

દરોની વિગતો મુજબ, ફાસ્ટેગના વાર્ષિક પાસની કિંમત જે અત્યાર સુધી ₹3,000 હતી, તેમાં વધારો કરીને હવે ₹3,075 કરી દેવામાં આવી છે. એટલે કે, વાહન ચાલકોએ હવે ₹75નો સીધો વધારો સહન કરવો પડશે. આ વધારો ખાસ કરીને ખાનગી અને બિન-વાણિજ્યિક વાહનો જેમ કે કાર અને SUV માટે લાગુ પડશે. મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આ સુવિધાનો લાભ લેનારાઓને વારંવાર રિચાર્જ કરવાની કપાકૂટમાંથી મુક્તિ મળે છે, પરંતુ હવે આ સુવિધા માટે થોડી વધુ રકમ ખર્ચવી પડશે. આ પાસ એક વર્ષની અવધિ અથવા ૨૦૦ ટોલ ક્રોસિંગ (જે વહેલું હોય તે) સુધી માન્ય રહેશે.

સરકારના મતે, ડિજિટલ પાસ સુવિધા ટોલ પ્લાઝા પર લાગતી લાંબી લાઈનો ઘટાડવા અને ઇંધણ બચાવવા માટે અત્યંત કારગત સાબિત થઈ છે. જોકે, ૧ એપ્રિલથી અમલી બનનારા આ નવા ભાવ વધારાને કારણે મધ્યમ વર્ગના વાહન ચાલકો પર આર્થિક બોજ વધવાની શક્યતા છે. ખાસ કરીને રોજબરોજ હાઈવેનો ઉપયોગ કરતા નોકરિયાત વર્ગ અને પ્રવાસીઓ માટે આ ફેરફાર મહત્વનો બની રહેશે. બીજી તરફ, વાણિજ્યિક વાહનો (ટ્રક, બસ) માટેના દરોમાં પણ ફેરફાર થઈ શકે છે, જેની વિગતો આગામી દિવસોમાં સ્પષ્ટ કરવામાં આવશે. જો તમે પણ વાર્ષિક પાસ રીન્યુ કરાવવાનું વિચારી રહ્યા હોવ, તો ૩૧ માર્ચ પહેલા જૂના દરે કરાવી લેવું હિતાવહ રહેશે.

(7:31 PM IST)