News of Thursday, 26th March 2026
"જ્યારે આખું વિશ્વ ઊંઘતું હોય છે, ત્યારે કેરળની નર્સો દર્દીઓની સેવા કરે છે": સોનિયા ગાંધીની સારવાર કરી રહેલી નર્સનો ઉલ્લેખ કરી રાહુલ ગાંધી ભાવુક; કેરળની ચૂંટણી રેલીમાં આપ્યું મોટું નિવેદન
માતાના સ્વાસ્થ્યની ચિંતા વચ્ચે રાહુલ ગાંધીએ હોસ્પિટલના સોફા પર વિતાવી રાત; કેરળની 5 લાખ નર્સોને ગણાવી રાજ્યની સાચી ઓળખ, વિપક્ષ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

કોઝિકોડ: કેરળમાં આગામી 9 એપ્રિલે યોજાનારી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે શંખનાદ કર્યો હતો. જોકે, માતા સોનિયા ગાંધીની તબિયત લથડતા તેઓ વ્યક્તિગત રીતે કેરળ જઈ શક્યા નહોતા, પરંતુ તેમણે વર્ચ્યુઅલ માધ્યમથી જનતાને સંબોધિત કરી હતી. આ સંબોધનમાં તેમણે પોતાની માતાની સારવાર કરી રહેલી કેરળની એક નર્સનો ખાસ ઉલ્લેખ કરીને નર્સિંગ સમુદાય પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
હોસ્પિટલની એ રાત અને કેરળની નર્સ
રાહુલ ગાંધીએ ભાવુક થતા કહ્યું, "ગઈકાલે રાત્રે હું હોસ્પિટલમાં મારી માતાના રૂમમાં એક નાના સોફા પર સૂતો હતો. એક પુત્ર તરીકે મને તેમની તબિયતની ખૂબ ચિંતા હતી, પરંતુ કેરળની એક નર્સે જે રીતે તેમની સંભાળ રાખી તેનાથી મને ખૂબ શાંતિ મળી. તે દર કલાકે માતાને મળવા આવતી, સ્મિત આપતી અને તેમનો હાથ પકડી રાખતી. મને સમજાયું કે આ જ કેરળની અસલી ઓળખ છે—નિઃસ્વાર્થ સેવા અને સ્નેહ." તેમણે ઉમેર્યું કે કેરળની નર્સો માત્ર ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં લોકોના દુઃખમાં સાથી બની રહી છે.
ચૂંટણી વચનોની લ્હાણી
રેલી દરમિયાન રાહુલ ગાંધીએ યુડીએફ (UDF) સત્તા પર આવશે તો જનતા માટે અનેક લોકકલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી:
- મહિલાઓ માટે: KSRTC બસોમાં મફત મુસાફરી અને કોલેજ જતી યુવતીઓને દર મહિને ₹1,000ની સહાય.
- પેન્શન અને વીમો: કલ્યાણ પેન્શન વધારીને ₹3,000 કરવામાં આવશે અને દરેક પરિવાર માટે ₹25 લાખનો આરોપ વીમો.
- યુવાનો માટે: વ્યવસાય શરૂ કરવા માટે ₹5 લાખ સુધીની વ્યાજમુક્ત લોન.
સરકાર પર આકરા પ્રહાર
રોજગારીના મુદ્દે મોદી સરકાર અને કેરળની એલડીએફ (LDF) સરકારને ઘેરતા રાહુલે કહ્યું કે, બંને સરકારે લાખો નોકરીઓના વચનો આપ્યા હતા પરંતુ હકીકતમાં નોકરીઓનો નાશ કર્યો છે. તેમણે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન સામે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા કોઈ કાર્યવાહી ન થવા બદલ ભાજપ અને એલડીએફ વચ્ચે 'મિલીભગત' હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
સોનિયા ગાંધીની તબિયતના સમાચાર
બીજી તરફ, દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલના જણાવ્યા અનુસાર, સોનિયા ગાંધીની સ્થિતિ હવે સ્થિર છે. તેમને પેટ અને પેશાબમાં ચેપને કારણે દાખલ કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી હાલ તેમની સાથે હોસ્પિટલમાં જ છે અને ત્યાંથી જ રાજકીય ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
