<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

નૌકાદળની તાકાતમાં વધારો થશે : 2028ની રાહ પૂરી, આ વર્ષે જ આવશે રાફેલ મરીન જેટ્સ

ભારત અને ફ્રાન્સ વચ્ચેના ₹63,000 કરોડના સંરક્ષણ સોદામાં મોટો વળાંક : નિર્ધારિત સમય કરતાં બે વર્ષ વહેલા ઓગસ્ટ 2026 સુધીમાં ટ્રેનર જેટ્સ ભારત પહોંચશે : INS વિક્રાંત અને વિક્રમાદિત્ય પર તૈનાત થઈ સમુદ્રમાં ચીન-પાકને આપશે સીધો પડકાર

નવી દિલ્હી :  ભારતીય નૌકાદળ માટે સંરક્ષણ ક્ષેત્રે સૌથી મોટા અને ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2028માં અપેક્ષિત રાફેલ મરીન ફાઇટર જેટ્સ હવે બે વર્ષ વહેલા એટલે કે ઓગસ્ટ-સપ્ટેમ્બર 2026 સુધીમાં ભારત આવી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ફ્રાન્સ પ્રથમ બેચમાં ટુ-સીટર ટ્રેનર જેટ્સ મોકલવાની તૈયારી કરી રહ્યું છે. જોકે આ પ્રારંભિક જેટ્સ સંપૂર્ણ લડાયક વિમાન નહીં હોય, પરંતુ તે ભારતીય પાઇલટ્સ અને ટેકનિકલ સ્ટાફને જમીન પરથી તાલીમ આપવા માટે અત્યંત મહત્વના સાબિત થશે, જેથી 2028માં જ્યારે ફાઇટર જેટ્સ આવે ત્યારે નૌકાદળ યુદ્ધ માટે સજ્જ હોય.

28 એપ્રિલ, 2025ના રોજ થયેલા ₹63,000 કરોડના કરાર મુજબ ભારત કુલ 26 રાફેલ મરીન ખરીદી રહ્યું છે, જેમાં 22 સિંગલ-સીટ ફાઇટર અને 4 ટ્વીન-સીટ ટ્રેનર જેટ્સનો સમાવેશ થાય છે. આ વિમાનોની ખાસિયત એ છે કે તે અત્યાધુનિક મીટીઓર લોંગ રેન્જ મિસાઇલ અને એક્સોસેટ એન્ટી-શિપ મિસાઇલથી સજ્જ હશે. સૌથી મોટો ફાયદો એ છે કે આ જેટ્સના 80% સ્પેરપાર્ટ્સ ભારતીય વાયુસેનાના હાલના રાફેલ જેવા જ છે, જેનાથી જાળવણી અને લોજિસ્ટિક્સનો ખર્ચ ઘટશે અને કામગીરી સરળ બનશે.

આ નવા રાફેલ મરીન જેટ્સ ભારતના ગૌરવ સમાન વિમાનવાહક જહાજો INS વિક્રાંત અને INS વિક્રમાદિત્ય પર તૈનાત કરવામાં આવશે. તે ધીમે ધીમે રશિયન બનાવટના જૂના MiG-29K વિમાનોનું સ્થાન લેશે, જે નૌકાદળની દરિયાઈ પ્રહાર ક્ષમતામાં અનેકગણો વધારો કરશે. ભારત અને ફ્રાન્સનું લક્ષ્ય વર્ષ 2030 સુધીમાં તમામ 26 વિમાનોની ડિલિવરી પૂર્ણ કરવાનું છે. ટ્રેનર જેટ્સનું વહેલું આગમન હિંદ મહાસાગરમાં ભારતની પકડ મજબૂત કરવા તરફનું એક ક્રાંતિકારી પગલું માનવામાં આવે છે.

(7:53 PM IST)