News of Thursday, 26th March 2026
ઈરાનના બે શક્તિશાળી નેતાઓ પર તોળાઈ રહેલું મોત ટળ્યું: ડોનાલ્ડ ટ્રમ્પને ઠેકાણા ખબર હોવા છતાં ઈઝરાયેલની 'હિટ લિસ્ટ'માંથી કેમ હટાવ્યા? પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેની ગુપ્ત સમજૂતીનો મોટો ખુલાસો
વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અને સ્પીકર ગાલિબાફને બચાવવા પાકિસ્તાને કરી હતી મધ્યસ્થી; શાંતિ વાટાઘાટો માટે 'વાતચીત કરનારા' ચહેરાઓ જીવતા રાખવા અમેરિકાની મજબૂરી, તેલ અને ગેસના વધતા ભાવ વચ્ચે નવો વળાંક

તેહરાન: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધમાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ઈઝરાયેલની ગુપ્તચર એજન્સીઓએ જેમના છુપાયેલા સ્થળો શોધી લીધા હતા અને જેમને ગમે ત્યારે નિશાન બનાવી શકાય તેમ હતા, તેવા ઈરાનના બે ટોચના નેતાઓ—વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અને સંસદીય અધ્યક્ષ મોહમ્મદ બાકર ગાલિબાફ—ને છેલ્લી ઘડીએ હિટ લિસ્ટમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ નિર્ણય પાછળ પાકિસ્તાનની વિનંતી અને અમેરિકાની લાંબી ગણતરી હોવાનું સામે આવ્યું છે.
પાકિસ્તાનની વિનંતી અને અમેરિકાનો ઈશારો
રોઇટર્સના અહેવાલ મુજબ, પાકિસ્તાને વોશિંગ્ટનને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો ઈરાનના આ બે જવાબદાર નેતાઓ પણ માર્યા જશે, તો ભવિષ્યમાં શાંતિ વાટાઘાટો કરવા માટે કોઈ બચશે નહીં. ઈરાન અત્યારે નેતૃત્વની કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે, કારણ કે ઈઝરાયેલે તેના મોટાભાગના કમાન્ડરો અને ટોચના નેતાઓને ખતમ કરી દીધા છે. પાકિસ્તાને અમેરિકાને મનાવી લીધું કે જો યુદ્ધ વિરામ કરવો હોય, તો આ બે 'વાટાઘાટકારો'નું જીવતું રહેવું અનિવાર્ય છે.
આ બે નેતાઓ જ કેમ છે મહત્વના?
- મોહમ્મદ બાકર ગાલિબાફ: તેઓ ઈરાનમાં એક લવચીક નેતા માનવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ યુદ્ધવિરામ માટે તેમના નામનો ઉલ્લેખ કર્યો હતો. અલી લારીજાનીની હત્યા બાદ ગાલિબાફ એકમાત્ર એવી વ્યક્તિ છે જે કટ્ટરપંથીઓ અને પશ્ચિમી દેશો વચ્ચે કડી બની શકે છે.
- અબ્બાસ અરાઘચી: ઈરાનના વિદેશ મંત્રી તરીકે તેઓ વૈશ્વિક સ્તરે ઈરાનનો ચહેરો છે. 2015ના પરમાણુ કરારમાં તેમની મોટી ભૂમિકા હતી અને તેઓ બજાર-શૈલીની વાટાઘાટોમાં માસ્ટર ગણાય છે.
કોણ કરી રહ્યું છે મધ્યસ્થી?
ઈરાન અને અમેરિકા વચ્ચેના આ જંગને રોકવા માટે અત્યારે તુર્કી, પાકિસ્તાન અને ઈજિપ્ત સક્રિય છે. તુર્કી સીધું જ વોશિંગ્ટનના વિચારો તેહરાન સુધી પહોંચાડી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન 15-મુદ્દાની માંગણીઓ પર સહમતી સાધવાનો પ્રયાસ કરી રહ્યું છે. અગાઉ ઓમાન આ કામ કરતું હતું, પરંતુ હવે આ ત્રણેય દેશો પર વિશ્વની નજર છે, કારણ કે આ યુદ્ધને કારણે તેલ અને ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે અને વૈશ્વિક અર્થતંત્ર જોખમમાં છે.
શાંતિ માટેની છેલ્લી તક
વોલ સ્ટ્રીટ જર્નલના મતે, આ બે નેતાઓને માત્ર 4 થી 5 દિવસ માટે જ હિટ લિસ્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે. જો આ સમયગાળામાં કોઈ નક્કર સમજૂતી નહીં થાય, તો ફરીથી તેમના પર મોતનું જોખમ મંડરાઈ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ અને ઈરાનનો વળતો પ્રહાર હવે કઈ દિશામાં જશે, તેના પર સમગ્ર દુનિયાની નજર ટકેલી છે.
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
