<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

G7 માં ભારતનો દબદબો: હોર્મુઝ સંકટ ઉકેલવા ફ્રાન્સે જયશંકર પર ખેલ્યો મોટો દાવ

વિશ્વના સાત શક્તિશાળી દેશોના સમૂહમાં સભ્ય ન હોવા છતાં ભારતની હાજરીથી પાકિસ્તાન અને ચીનના પેટમાં તેલ રેડાયું : ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે વૈશ્વિક તેલ પુરવઠો બચાવવા પેરિસમાં વિદેશ મંત્રી એસ. જયશંકરની મેરેથોન બેઠકો શરૂ

પેરિસ:  વૈશ્વિક રાજનીતિના મંચ પર ભારતનો પ્રભાવ હવે એટલો વધી ગયો છે કે દુનિયાના સૌથી વિકસિત દેશોનો સમૂહ G7 પણ ભારતના સહકાર વિના અધૂરો લાગે છે. ફ્રાન્સની યજમાનીમાં યોજાઈ રહેલી આ મહત્વની બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે પહોંચતાની સાથે જ કેનેડા, દક્ષિણ કોરિયા અને જાપાનના સમકક્ષો સાથે મુલાકાત કરી ભારતની મજબૂત કૂટનીતિનો પરિચય આપ્યો છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં ઈરાને ઉભી કરેલી નાકાબંધીને કારણે જ્યારે આખું વિશ્વ ઉર્જા સંકટ અને મોંઘવારીના ખતરા હેઠળ છે, ત્યારે ફ્રાન્સે ભારતને એક 'સ્પેશિયલ પાર્ટનર' તરીકે આમંત્રિત કરીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવા માટે પીએમ મોદીના દૂતની ભૂમિકા નિર્ણાયક બની રહેશે.

હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) એ દુનિયાની રગ સમાન છે, જ્યાંથી વિશ્વનો ૨૦ ટકા તેલ અને ગેસનો પુરવઠો પસાર થાય છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના વધતા ઘર્ષણને કારણે આ માર્ગ બંધ થવાની અણી પર છે, જેને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ભારત માટે આ માત્ર રાજદ્વારી મુદ્દો નથી પરંતુ આર્થિક સુરક્ષાનો પ્રશ્ન છે, કારણ કે આપણા દેશની ઉર્જા જરૂરિયાતોનો મોટો હિસ્સો આ જ માર્ગ પર નિર્ભર છે. G7 દેશો હવે ભારત સાથે મળીને ઈરાનના પરમાણુ કાર્યક્રમો પર અંકુશ મેળવવા અને આ સમુદ્રી માર્ગને શિપિંગ માટે ખુલ્લો રાખવા માટે એક સંયુક્ત રણનીતિ ઘડી રહ્યા છે.

જાપાન જેવા દેશોએ પણ આ સંકટમાં કૂદવાની તૈયારી બતાવી છે, જે દર્શાવે છે કે સ્થિતિ કેટલી ગંભીર છે. જોકે, પશ્ચિમી દેશો માને છે કે ઈરાન સાથે ભારતના જે પ્રકારના ઐતિહાસિક અને વેપારિક સંબંધો છે, તેનો ઉપયોગ કરીને ભારત તણાવ ઘટાડવામાં સૌથી વધુ મદદરૂપ થઈ શકે છે. પેરિસમાં યોજાનારી આ બેઠકોમાં માત્ર દરિયાઈ માર્ગો જ નહીં, પરંતુ ખાતર અને ખાદ્ય સુરક્ષા પર પડનારી માઠી અસરોને રોકવા માટે પણ મંથન કરવામાં આવશે. ભારતની આ સક્રિયતા સાબિત કરે છે કે હવે ગ્લોબલ સાઉથનો અવાજ દુનિયાની ટોચની સાત અર્થવ્યવસ્થાઓ પણ અવગણી શકે તેમ નથી.

(10:01 PM IST)