KBC ફેમ મહિલા તહસીલદાર અમિતા સિંહ તોમર પર પૂર પીડિતોના રાહતના કરોડોના કૌભાંડનો આરોપ :ધરપકડ
તત્કાલીન તહસીલદાર અમિતા સિંહ તોમરે, આશરે 25 પટાવાળા અને 100 થી વધુ દલાલોએ સાથે મળીને આશરે રૂ. 2.57 કરોડને, 127 નકલી ખાતાઓમાં વહેંચ્યા

મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. "કૌન બનેગા કરોડપતિ" ફેમ મહિલા તહસીલદાર અમિતા સિંહ તોમરની રૂ. 2.5 કરોડથી વધુના પૂર રાહત કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, શ્યોપુર જિલ્લામાં 2021માં આવેલા પૂર બાદ પૂર પીડિતોને રાહત ભંડોળનું વિતરણ કરવામાં આવ્યું હતું. એવો આરોપ છે કે, બરોડા તાલુકાના તહસીલના તત્કાલીન તહસીલદાર અમિતા સિંહ તોમરે, આશરે 25 પટાવાળા અને 100 થી વધુ દલાલોએ સાથે મળીને આશરે રૂ. 2.57 કરોડને, 127 નકલી ખાતાઓમાં વહેંચ્યા હતા. આ ભંડોળ સંબંધીઓ અને પરિચિતોને પૂર પીડિતો તરીકે બતાવીને તેમના ખાતામાં જમા કરવામાં આવ્યું હતું.
આ છેતરપિંડી ડેપ્યુટી કલેક્ટર દ્વારા ઓડિટ દરમિયાન શોધી કાઢવામાં આવી હતી, જેના પગલે બરોડા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા (IPC) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 420, 467, 468, 409 અને 120-B હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
ધરપકડ ટાળવા માટે, અમિતા સિંહ તોમરે પહેલા હાઇકોર્ટ (ગ્વાલિયર બેન્ચ) માં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ, તેણીએ સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન (SLP) સાથે આગોતરા જામીન માટે અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે 17 માર્ચ, 2026 ના રોજ તેણીની અરજી પણ ફગાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન નામંજૂર કર્યા બાદ, પોલીસે ગુરુવારે તેણીની ગ્વાલિયર નિવાસસ્થાનેથી ધરપકડ કરી છે. નોંધનીય છે કે, તેણીને એક દિવસ પહેલા વિજયપુરના તહસીલદાર પદ પરથી દૂર કરવામાં આવી હતી. તેણીની ધરપકડ બાદ, તેણીને શ્યોપુર કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાંથી તેણીને જેલમાં મોકલવામાં આવી હતી.
શ્યોપુરના પોલીસ અધિક્ષક સુધીર કુમાર અગ્રવાલે ધરપકડની પુષ્ટિ કરી હતી, અને જણાવ્યું હતું કે, આ કૌભાંડમાં વધુ લોકોની સંડોવણી બહાર આવી શકે છે. તપાસ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ સુધી પણ લંબાઈ શકે છે.
અમિતા સિંહ તોમર 2011 માં KBC ની પાંચમી સીઝનમાં રૂ. 50 લાખ જીત્યા બાદ હેડલાઇન્સમાં આવ્યા હતા. વધુમાં, તેમને સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ અને ટિપ્પણીઓ માટે અગાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમણે વારંવાર ટ્રાન્સફર અંગે વડા પ્રધાનને પત્ર પણ લખ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
