News of Friday, 27th March 2026
અમેરિકાની સ્વતંત્રતાની ૨૫૦મી વર્ષગાંઠ નિમિત્તે ડોલર પર રાષ્ટ્રપતિ ટ્રમ્પના હસ્તાક્ષર છાપવાની ઐતિહાસિક જાહેરાત, ૧૬૫ વર્ષ જૂની પરંપરાનો અંત
અમેરિકન ચલણમાં મોટો બદલાવ: જૂન ૨૦૨૬થી ધીમે ધીમે નવી ૧૦૦ ડોલરની નોટો છપાશે, ટ્રમ્પ અને ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટના સંયુક્ત હસ્તાક્ષર હશે

વોશિંગ્ટન: અમેરિકા ચાલુ વર્ષે તેની સ્વતંત્રતાની ૨૫૦મી વર્ષગાંઠ ભવ્ય રીતે ઉજવવા જઈ રહ્યું છે. આ ઐતિહાસિક પ્રસંગને ધ્યાનમાં રાખીને યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે અમેરિકન ચલણમાં મોટા ફેરફારો કરવાની જાહેરાત કરી છે.
સૌથી નોંધપાત્ર નિર્ણય એ લેવાયો છે કે હવેથી અમેરિકન ડોલર પર વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર છાપવામાં આવશે. આ નિર્ણય સાથે ૧૮૬૧થી ચાલી આવતી ૧૬૫ વર્ષ જૂની એ પરંપરાનો અંત આવશે, જેમાં ડોલર પર માત્ર યુનાઇટેડ સ્ટેટ્સના ટ્રેઝરરના જ હસ્તાક્ષર રહેતા હતા. અમેરિકન ઇતિહાસમાં આ પ્રથમ વખત બનશે કે કોઈ રાષ્ટ્રપતિની સહી ચલણી નોટો પર જોવા મળશે.
યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટની પ્રેસ નોટ અનુસાર, આ નવી પહેલ હેઠળ જૂન ૨૦૨૬થી નવી ૧૦૦ ડોલરની નોટો છાપવાનું શરૂ કરવામાં આવશે. આ નોટો પર રાષ્ટ્રપતિ ટ્રમ્પની સાથે સાથે યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટના પણ હસ્તાક્ષર હશે.
ત્યારબાદ તબક્કાવાર અન્ય મૂલ્યની નોટોમાં પણ આ ફેરફાર લાગુ કરવામાં આવશે. સ્કોટ બેસન્ટે આ નિર્ણયને દેશની આર્થિક પ્રગતિ અને ઐતિહાસિક સિદ્ધિના પ્રતીક સમાન ગણાવ્યો છે, જ્યારે યુએસ ટ્રેઝરી બ્રાન્ડન બીચે નવી નોટોના પ્રકાશન પ્રસંગે એક ભવ્ય કાર્યક્રમ યોજવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે.
આ ઉપરાંત, અગાઉ જાહેરાત થયા મુજબ અમેરિકા એક વિશેષ ૨૪ કેરેટ સોનાનો સિક્કો પણ બહાર પાડી રહ્યું છે, જેમાં ટ્રમ્પનો ફોટો હશે. જોકે, યુએસ કાયદા મુજબ ચલણ પર જીવંત રાષ્ટ્રપતિની છબી છાપવા પર પ્રતિબંધ હોવાથી, ૧૯ માર્ચ ૨૦૨૬ના રોજ કમિશન ઓફ ફાઇન આર્ટ્સે સિક્કાની ડિઝાઇનને મંજૂરી આપી દીધી હોવા છતાં, ટ્રમ્પના ફોટા માટે ઔપચારિક મંજૂરી હજુ પ્રક્રિયા હેઠળ છે. નોંધનીય છે કે ૪ જુલાઈ ૧૭૭૬ના રોજ અમેરિકાને બ્રિટનથી સ્વતંત્રતા મળી હતી.
(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
