<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

અયોધ્‍યામાં રામલ્લાનું ભવ્‍ય દિવ્‍ય તિલકઃ આસ્‍થાનો મહાકુંભ

ભક્‍તિ અને વિજ્ઞાનનો અનોખો સંગમઃ રામ નવમીના પાવન પર્વે પ્રભુ શ્રી રામના મસ્‍તક પર ચાર મિનિટ સુધી સૂર્યકિરણોનો અભિષેક થયો પીએમ મોદીએ પણ લાઈવ દર્શન કરી ધન્‍યતા અનુભવી અને સીએમ યોગીએ તેને સનાતન સંસ્‍કળતિના ગૌરવનું પ્રતીક ગણાવ્‍યું

અયોધ્‍યા, તા.૨૭: અયોધ્‍યાના ભવ્‍ય રામ મંદિરમાં આજે એક એવી અલૌકિક ઘટના બની જેણે લાખો ભક્‍તોને મંત્રમુગ્‍ધ કરી દીધા. બરાબર બપોરે ૧૨ વાગ્‍યે, જ્‍યારે રામ લલ્લાનો જન્‍મોત્‍સવ ઉજવાઈ રહ્યો હતો, ત્‍યારે સૂર્યના કિરણો મંદિરમાં સ્‍થાપિત અરીસા અને લેન્‍સના માધ્‍યમથી પરાવર્તિત થઈને સીધા પ્રભુના કપાળ પર બિરાજમાન થયા. લગભગ ચાર મિનિટ સુધી ચાલેલા આ સૂર્ય તિલકને જોઈને સમગ્ર મંદિર પરિસર જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્‍યું હતું. આ આકાશી ચમત્‍કારને સાકાર કરવા માટે બેંગલુરુના ઇન્‍ડિયન ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ એસ્‍ટ્રોફિઝિક્‍સના વૈજ્ઞાનિકોએ ખાસ ઓપ્‍ટો-મિકેનિકલ સિસ્‍ટમ તૈયાર કરી હતી, જેણે પ્રાચીન પરંપરા અને આધુનિક વિજ્ઞાનનો અદભૂત મેળાપ કરાવ્‍યો હતો.

આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ પણ પોતાની વ્‍યસ્‍તતા વચ્‍ચે લાઈવ ટેલિવિઝન પર દર્શન કર્યા હતા. પીએમઓએ એક તસવીર જાહેર કરી છે જેમાં પીએમ મોદી હાથ જોડીને ભક્‍તિભાવ સાથે રામ લલ્લાનું સૂર્ય તિલક નિહાળી રહ્યા છે. બીજી તરફ, ઉત્તર પ્રદેશના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથે આ ઘટનાને અત્‍યંત દિવ્‍ય ગણાવતા કહ્યું કે, આ સૂર્ય તિલક માત્ર પ્રકાશ નથી, પરંતુ વિકસિત ભારત અને આત્‍મનિર્ભર ભારતના સંકલ્‍પનો માર્ગદર્શક છે. તેમણે ઉમેર્યું કે આ કિરણો દરેક ભારતીયના હૃદયમાં શ્રદ્ધા અને આત્‍મસન્‍માનની નવી ચેતના જગાવી રહ્યા છે.

ભક્‍તોના ભારે ધસારાને પહોંચી વળવા માટે શ્રી રામ જન્‍મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્‍ટે વિશેષ વ્‍યવસ્‍થાઓ કરી છે. આજે રામ લલ્લાના દર્શનનો સમય વધારીને સવારે ૫:૦૦ થી રાત્રે ૧૧:૦૦ વાગ્‍યા સુધી કરવામાં આવ્‍યો છે, જેથી વધુમાં વધુ લોકો દર્શનનો લાભ લઈ શકે. સૂર્ય તિલક વિધિ દરમિયાન સુરક્ષાના કારણોસર VIP પાસ ધારકો માટે ટૂંકા સમયનો પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો હતો, પરંતુ સામાન્‍ય ભક્‍તો માટે વ્‍યવસ્‍થા ચાલુ રાખવામાં આવી હતી. વૈજ્ઞાનિકોના જણાવ્‍યા અનુસાર, આ સિસ્‍ટમ એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે આગામી ૧૯ વર્ષ સુધી દર રામ નવમીએ સૂર્યદેવ આ જ રીતે રામ લલ્લાનો રાજ્‍યાભિષેક કરશે.

(2:40 PM IST)