તા. ૨૪ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૭, મંગળવાર
News of Friday, 27th March 2026
ઓસ્ટ્રેલિયા જવા ઈચ્છુક ભારતીયો માટે મોટા સમાચાર: સ્ટુડન્ટ અને ટૂરિસ્ટ વિઝા હવે 'રોકેટ ગતિએ' મળશે, પણ પરમેનન્ટ રેસિડન્સી માટે જોવી પડશે લાંબી રાહ!
માત્ર ૨૪ કલાકમાં વિઝિટર વિઝા અને એક મહિનામાં સ્ટુડન્ટ વિઝાની પ્રક્રિયા પૂર્ણ; કાયમી વસવાટ (PR) ની ફાઇલોમાં હજુ પણ મહિનાઓનું વેઇટિંગ

કેનબેરા: તા.27: ઓસ્ટ્રેલિયાના ગૃહ વિભાગે વિઝા પ્રક્રિયાને લઈને તાજેતરના આંકડા જાહેર કર્યા છે, જે વિદેશ જઈ અભ્યાસ કરવા કે ફરવા ઈચ્છતા લોકો માટે ખુશીના સમાચાર લાવ્યા છે. ઓસ્ટ્રેલિયન સરકારે તેની વિઝા પ્રક્રિયામાં ધરખમ ફેરફાર કરીને કામચલાઉ (Temporary) વિઝાની પ્રક્રિયાને અત્યંત ઝડપી બનાવી દીધી છે. જોકે, બીજી તરફ કાયમી વસવાટ (Permanent Residency) ઈચ્છતા અરજદારો માટે હજુ પણ પડકારો યથાવત છે.
વિઝિટર અને સ્ટુડન્ટ વિઝામાં 'સુપરફાસ્ટ' સર્વિસ
નવા ડેટા અનુસાર, ઓસ્ટ્રેલિયાના વિઝિટર વિઝા (સબક્લાસ 600, 601, 651) હવે સરેરાશ એક દિવસથી પણ ઓછા સમયમાં મંજૂર થઈ રહ્યા છે. એટલે કે, જો તમારા દસ્તાવેજો તૈયાર હોય, તો ચોવીસ કલાકમાં જ તમને ઉડાન ભરવાની મંજૂરી મળી શકે છે.
વિદ્યાર્થીઓ માટે પણ સારા સમાચાર છે. સ્ટુડન્ટ વિઝા પ્રક્રિયા હવે સરેરાશ 33 દિવસમાં પૂર્ણ કરવામાં આવી રહી છે. વિભાગે વિદ્યાર્થીઓને સલાહ આપી છે કે કોર્સ શરૂ થવાના પૂરતા સમય પહેલાં અને તમામ જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવી, જેથી કોઈ પણ પ્રકારનો વિલંબ ટાળી શકાય. વર્કિંગ હોલિડે મેકર વિઝા પણ હવે માત્ર બે દિવસમાં મળી રહ્યા છે.
કાયમી વિઝા (PR) અને પાર્ટનર વિઝામાં હજુ 'ધીમી ધાર'
જ્યાં એક તરફ ટૂંકા ગાળાના વિઝા ઝડપથી મળી રહ્યા છે, ત્યાં કાયમી સ્થળાંતર કરવા ઈચ્છતા લોકો માટે રાહ જોવાનો સમય લાંબો છે:
• સ્કિલ્ડ વિઝા (Skilled Visa): આ શ્રેણીમાં વિઝા મેળવવા માટે સરેરાશ 9 મહિના જેટલો સમય લાગી રહ્યો છે.
• પાર્ટનર વિઝા (Partner Visa): પતિ-પત્નીના વિઝા માટે સૌથી વધુ એટલે કે અંદાજે 17 મહિના જેટલી લાંબી રાહ જોવી પડી રહી છે.
• પ્રાથમિકતા: ઓસ્ટ્રેલિયન સરકાર અત્યારે પ્રાદેશિક વિસ્તારોમાં નોકરીદાતા-પ્રાયોજિત અરજદારો તેમજ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે કામ કરતા નિષ્ણાતોને વિઝા આપવામાં પ્રાથમિકતા આપી રહી છે.
વિલંબ ટાળવા માટે ગૃહ વિભાગની ખાસ ટિપ્સ
ગૃહ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જો અરજી અધૂરી હશે તો પ્રક્રિયામાં મોટો વિલંબ થઈ શકે છે. અરજદારોએ હેલ્થ ચેકઅપ, કેરેક્ટર સર્ટિફિકેટ અને નેશનલ સિક્યુરિટી સંબંધિત તમામ દસ્તાવેજો અગાઉથી જ તૈયાર રાખવા જોઈએ. "તમામ સહાયક દસ્તાવેજો સાથેની સંપૂર્ણ અરજી જ ઝડપી વિઝાની ચાવી છે," તેમ વિભાગે ઉમેર્યું હતું.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
