News of Friday, 27th March 2026
સ્પેન વેકેશન પર ગ્રહણ: એરપોર્ટ ગ્રાઉન્ડ સ્ટાફની હડતાળથી ઈસ્ટરની મુસાફરીમાં મોટો ખલેલ, હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાશે!
મેડ્રિડથી બાર્સેલોના સુધીના મુખ્ય એરપોર્ટ્સ પર આજથી અચોક્કસ મુદતની હડતાળ; બેગેજ હેન્ડલિંગ અને બોર્ડિંગ સેવાઓ ખોરવાતા અફરાતફરીનો માહોલ

મેડ્રિડ: તા.27: જો તમે આ વેકેશનમાં સ્પેનની સુંદરતા માણવાનું વિચારી રહ્યા છો, તો તમારે થોડી સાવચેતી રાખવી પડશે. સ્પેનના મુખ્ય એરપોર્ટ્સ પર કામ કરતા ગ્રાઉન્ડ સ્ટાફ યુનિયનોએ આજથી એટલે કે 27 માર્ચ, 2026 થી હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. આ હડતાળને કારણે સ્પેનના પ્રખ્યાત 'સેમાના સાન્ટા' (ઇસ્ટર હોલી વીક) દરમિયાન મુસાફરી કરતા પ્રવાસીઓના આયોજન પર પાણી ફરી વળે તેવી શક્યતા છે.
કેમ પડી હડતાળ?
ગ્રાઉન્ડફોર્સ સ્ટાફ અને યુનિયનો વચ્ચે પગાર વધારો, કામ કરવાની સ્થિતિ અને નવા શ્રમ કરારોને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. 20 માર્ચના રોજ મળેલી મધ્યસ્થી બેઠક નિષ્ફળ જતા અંતે કામદારોએ મક્કમતા સાથે હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. આજથી શરૂ થયેલી આ હડતાળમાં 28 અને 29 માર્ચે વધુ તીવ્રતા જોવા મળશે, અને ત્યારબાદ 2 થી 6 એપ્રિલ સુધી સતત વિક્ષેપો ચાલુ રહેશે.
કયા એરપોર્ટ્સ પર વધુ અસર થશે?
સ્પેનના લગભગ તમામ વ્યસ્ત ટ્રાવેલ હબ આ હડતાળની ઝપેટમાં છે:
• મેડ્રિડ-બારાજાસ અને બાર્સેલોના-એલ પ્રાટ (સૌથી વધુ વ્યસ્ત)
• પાલ્મા ડી મેલોર્કા, માલાગા, વેલેન્સિયા અને ઇબિઝા
• કેનેરી આઇલેન્ડ્સના મુખ્ય એરપોર્ટ્સ
પાલ્મા એરપોર્ટના અહેવાલ મુજબ, આ હડતાળથી અંદાજે 8 લાખથી વધુ મુસાફરો પ્રભાવિત થઈ શકે છે. ખાસ કરીને જ્યારે 80% હોટલો પ્રવાસીઓ માટે ખુલી ગઈ છે, ત્યારે આ હડતાળ ટુરિઝમ ઉદ્યોગ માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.
મુસાફરોને શું મુશ્કેલી પડી શકે?
જો તમે સ્પેન પહોંચો છો અથવા ત્યાંથી રવાના થાઓ છો, તો આ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે:
1. બેગેજ હેન્ડલિંગ: સામાન ચેક-ઇન કરવામાં કે બેલ્ટ પરથી પરત મેળવવામાં કલાકોનો વિલંબ.
2. બોર્ડિંગમાં ઢીલ: વિમાનમાં ચઢવા અને ઉતરવાની પ્રક્રિયા અત્યંત ધીમી થશે.
3. લાંબી કતારો: એરપોર્ટની અંદર ચેક-ઇન કાઉન્ટર્સ પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી શકે છે.
એરલાઈન્સની સલાહ
સ્પેનિશ કાયદા મુજબ આવશ્યક સેવાઓ ચાલુ રાખવી ફરજિયાત છે, છતાં વિલંબ ટાળવો અશક્ય છે. એરલાઈન્સે મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ એરપોર્ટ માટે નિર્ધારિત સમય કરતાં ઘણો વહેલો નીકળે અને તેમની ફ્લાઈટનું લાઈવ સ્ટેટસ સતત ચેક કરતા રહે.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
