News of Friday, 27th March 2026
હવાઈ મુસાફરી મોંઘીદાટ: કેથે પેસિફિક 1 એપ્રિલથી ઇંધણ સરચાર્જમાં કરશે 34% નો તોતિંગ વધારો; મધ્ય પૂર્વના યુદ્ધની અસર હવે મુસાફરોના ખિસ્સા પર!
ક્રૂડ ઓઇલ અને જેટ ફ્યુઅલના ભાવ આસમાને પહોંચતા એરલાઇનનો મોટો નિર્ણય; દુબઈ અને રિયાધની ફ્લાઇટ્સ પરનું સસ્પેન્શન પણ 31 મે સુધી લંબાવ્યું

હોંગકોંગ: તા.27: જો તમે આગામી મહિનાઓમાં વિદેશ પ્રવાસનું આયોજન કરી રહ્યા છો, તો તમારે તમારા ખિસ્સા વધુ ઢીલા કરવા પડશે. હોંગકોંગની દિગ્ગજ એરલાઇન કેથે પેસિફિકે ગુરુવારે જાહેરાત કરી છે કે તે આગામી 1 એપ્રિલ થી તેની તમામ ફ્લાઇટ્સ પર ઇંધણ સરચાર્જ (Fuel Surcharge) માં 34% નો ધરખમ વધારો કરવા જઈ રહી છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધને કારણે તેલના ભાવમાં થયેલા અસહ્ય વધારાને પગલે એરલાઇને આ કડક નિર્ણય લેવાની ફરજ પડી છે.
જેટ ઇંધણના ભાવમાં બમણો ઉછાળો
ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) ના આંકડા ચોંકાવનારા છે. માત્ર એક મહિના પહેલા જે જેટ ઇંધણનો ભાવ $95.50 પ્રતિ બેરલ હતો, તે ગયા અઠવાડિયે વધીને $197 પર પહોંચી ગયો છે. કેથે પેસિફિકના જણાવ્યા અનુસાર, ક્રૂડ ઓઇલ અને રિફાઇનરી ખર્ચમાં થયેલા આ તીવ્ર વધારાને કારણે એરલાઇનનો ઓપરેટિંગ ખર્ચ મર્યાદા બહાર જઈ રહ્યો છે.
કયા રૂટ પર કેટલી અસર થશે?
એરલાઇને સ્પષ્ટ કર્યું છે કે નવા દરો 1 એપ્રિલથી ઇશ્યૂ થનારી તમામ ટિકિટો પર લાગુ થશે:
• ટૂંકા અંતરની ફ્લાઇટ્સ: સરચાર્જમાં 34.1% નો વધારો.
• મધ્યમ અને લાંબા અંતરના રૂટ: સરચાર્જમાં 34% નો વધારો.
એરલાઇને વધુમાં જણાવ્યું કે તેમની હેજિંગ વ્યૂહરચના માત્ર 30% ઇંધણને જ આવરી લે છે, જે હાલના ભાવ વધારા સામે અપૂરતી સાબિત થઈ રહી છે. પરિસ્થિતિને જોતા હવે દર બે અઠવાડિયે સરચાર્જની સમીક્ષા કરવામાં આવશે.
દુબઈ-રિયાધ રૂટ પર બ્રેક યથાવત
મધ્ય પૂર્વના સંઘર્ષને કારણે સુરક્ષાના કારણોસર કેથે પેસિફિકે દુબઈ અને રિયાધ જતી-આવતી ફ્લાઇટ્સનું સસ્પેન્શન હવે 31 મે સુધી લંબાવી દીધું છે. જોકે, રાહતની વાત એ છે કે યુરોપ જનારા મુસાફરોની વધતી માંગને પહોંચી વળવા માટે એરલાઇન લંડન, પેરિસ અને ઝુરિચ માટે વધારાની ફ્લાઇટ્સ ચલાવવાનું આયોજન કરી રહી છે.
વૈશ્વિક સ્તરે ટિકિટો મોંઘી થશે
માત્ર કેથે પેસિફિક જ નહીં, પરંતુ તેલના વધતા ભાવોને કારણે વિશ્વભરની એરલાઇન્સ હવે ઇંધણ સરચાર્જ વધારવાનું વિચારી રહી છે. આનો સીધો અર્થ એ છે કે ઉનાળાના વેકેશનમાં વિદેશ પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે હવાઈ મુસાફરી હવે લક્ઝરી બનતી જશે.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
