<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

કેનેડામાં હિન્દુઓના પવિત્ર 'સ્વસ્તિક'નો વિજય: નફરત વિરોધી બિલમાં મોટો સુધારો, હવે 'સ્વસ્તિક' અને નાઝીઓના 'હાકેનક્રુઝ' વચ્ચેનો તફાવત કાયદેસર રીતે સ્વીકારાશે!

હાઉસ ઓફ કોમન્સમાં બિલ C-9 પસાર; પવિત્ર પ્રતીકને પ્રતિબંધિત સૂચિમાંથી મુક્તિ મળતા કેનેડિયન હિન્દુ સમુદાયમાં આનંદની લહેર

ઓટાવા: તા.27: કેનેડામાં વસતા ભારતીય મૂળના લોકો અને ખાસ કરીને હિન્દુ સમુદાય માટે એક ઐતિહાસિક સમાચાર આવ્યા છે. કેનેડિયન સંસદના નીચલા ગૃહ 'હાઉસ ઓફ કોમન્સ' દ્વારા પસાર કરવામાં આવેલા નવા 'કોમ્બેટિંગ હેટ એક્ટ' (બિલ C-9) હેઠળ પવિત્ર પ્રતીક 'સ્વસ્તિક'ને મોટી રાહત આપવામાં આવી છે. આ નવા કાયદામાં હવે 'સ્વસ્તિક'ને નાઝીઓના નફરત ફેલાવતા પ્રતીક 'હાકેનક્રુઝ' (Hakenkreuz) થી અલગ ગણવામાં આવશે.
શું હતો વિવાદ અને નવો ફેરફાર?
લાંબા સમયથી કેનેડામાં નફરત વિરોધી કાયદાઓ હેઠળ સ્વસ્તિકને પણ નાઝીઓના ચિહ્ન તરીકે જોવામાં આવતું હતું, જેના કારણે હિન્દુ, જૈન અને બૌદ્ધ સમુદાયોમાં રોષ હતો. બિલ C-9 માં કરવામાં આવેલા સુધારા મુજબ, હવે નફરત ફેલાવતા પ્રતીકોની યાદીમાં 'સ્વસ્તિક' શબ્દને બદલીને સ્પષ્ટપણે 'નાઝી હાકેનક્રુઝ' કરવામાં આવ્યો છે. આ ફેરફારનો અર્થ એ છે કે ધાર્મિક હેતુઓ માટે વપરાતા પવિત્ર સ્વસ્તિક પર હવે કોઈ કાયદાકીય તલવાર લટકશે નહીં.
નફરત ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી
જોકે, આ બિલનો મુખ્ય હેતુ નફરત અને આતંકવાદને પ્રોત્સાહન આપતા પ્રતીકો પર લગામ લગાવવાનો છે. જો કોઈ વ્યક્તિ ઇરાદાપૂર્વક જાહેર જગ્યાએ નફરત ફેલાવવાના હેતુથી આવા પ્રતીકોનો ઉપયોગ કરશે, તો તેની સામે નવા ક્રિમિનલ કોડ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. સમુદાય જૂથોએ સરકારના આ નિર્ણયને આવકારતા કહ્યું છે કે આનાથી પવિત્ર પ્રતીકની ગરિમા જળવાશે અને નફરત સામેની લડાઈ પણ મજબૂત બનશે.
સેનેટમાં જવાનો માર્ગ મોકળો
હાઉસ ઓફ કોમન્સમાં બહુમતી સાથે આ બિલ પસાર થયા બાદ હવે તે સેનેટમાં મોકલવામાં આવશે. કેનેડામાં રહેતા ભારતીય સમુદાયના સંગઠનોએ આ માટે લાંબા સમય સુધી ઝુંબેશ ચલાવી હતી, જેનું હવે સુખદ પરિણામ જોવા મળી રહ્યું છે. આ કાયદો લાગુ થયા પછી, કેનેડામાં પવિત્ર પ્રતીકોના દુરુપયોગ અને ખોટી ઓળખને કારણે થતી કાયદાકીય ગૂંચવણો અંત આવશે.

(4:27 PM IST)