<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

ટ્રમ્પના 'નૂર-એ-નઝર' બનવા પાકિસ્તાનની માસ્ટર ગેમ: રિયલ એસ્ટેટના સોદાથી લઈને નોબેલ પુરસ્કારના નામાંકન સુધીની ખેલી ચતુર ચાલ, હવે અમેરિકા-ઈરાન વચ્ચે બન્યું મધ્યસ્થી!

ન્યૂ યોર્કની લક્ઝરી હોટેલ અને ટ્રમ્પના આંતરિક વર્તુળ સાથેની દોસ્તીએ બદલ્યું પાકિસ્તાનનું નસીબ; વોશિંગ્ટનમાં જે દેશ સાવ ફેંકાઈ ગયો હતો, તે હવે ફરીથી પાવર સેન્ટર બન્યું

 
ઈસ્લામાબાદ: તા.27: આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં કોઈ કાયમી દુશ્મન કે મિત્ર હોતું નથી, અને પાકિસ્તાને આ વાત ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં સાબિત કરી બતાવી છે. એક વર્ષ પહેલા જે પાકિસ્તાન વોશિંગ્ટનમાં સાવ હાંસિયામાં ધકેલાઈ ગયું હતું, તે આજે અચાનક અમેરિકા અને ઈરાન વચ્ચેના ગંભીર વિવાદમાં મુખ્ય મધ્યસ્થી તરીકે ઉભરી આવ્યું છે. પરંતુ આ કોઈ અકસ્માત નથી; પાકિસ્તાને ટ્રમ્પના ખાસ બનવા માટે લાંબા સમયથી 'બિઝનેસ ટુ ડિપ્લોમસી'ની એક સુક્ષ્મ જાળ બિછાવી હતી.
રિયલ એસ્ટેટથી ખુલ્યો વ્હાઇટ હાઉસનો દરવાજો
પાકિસ્તાનની આ વ્યૂહરચનાનો પાયો રિયલ એસ્ટેટના સોદાઓ પર નંખાયો હતો. 'ન્યૂ યોર્ક ટાઇમ્સ'ના અહેવાલ મુજબ, પાકિસ્તાને ન્યૂ યોર્કની પોતાની માલિકીની પ્રતિષ્ઠિત રૂઝવેલ્ટ હોટેલના નવીનીકરણ માટે ટ્રમ્પના નજીકના સાથી સ્ટીવ વિટકોફ સાથે ભાગીદારી કરી. આ માત્ર એક આર્થિક સોદો નહોતો, પણ ટ્રમ્પના આંતરિક વર્તુળમાં પ્રવેશવાની એક ગુપ્ત ચાવી હતી. આ વ્યવસાયિક સંબંધોએ પાકિસ્તાનને ટ્રમ્પના મુખ્ય સલાહકારોનો વિશ્વાસ જીતવાની તક આપી.
ટ્રમ્પને નોબેલ પુરસ્કાર માટે નામાંકિત કરવાની ચાલ
પાકિસ્તાને ટ્રમ્પના અહમને સંતોષવા માટે વધુ એક સ્માર્ટ ચાલ રમી. તેણે ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવાની વ્યૂહરચના અપનાવી. આ ઉપરાંત, કુશનર અને વિટકોફ જેવા ટ્રમ્પના અત્યંત નજીકના લોકો સાથે ગાઢ સંબંધો કેળવવા માટે લોબિસ્ટ્સની આખી ફોજ ઉતારી દીધી. આનાથી પાકિસ્તાનને અમેરિકાની વિદેશ નીતિ નક્કી કરનારા લોકો સુધી સીધી પહોંચ મળી ગઈ.
અમેરિકાની પ્રાથમિકતાઓ અને પાકિસ્તાનનું નસીબ
પાકિસ્તાને પોતાને અમેરિકાના વફાદાર સાથી તરીકે સાબિત કરવા માટે આતંકવાદ વિરોધી કાર્યવાહીના નામે વરિષ્ઠ ઈસ્લામિક વ્યક્તિઓની ધરપકડ કરી અને ખાણકામ પ્રોજેક્ટ્સમાં યુએસ રોકાણને આવકાર્યું. જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ, ત્યારે પાકિસ્તાનનું ભૌગોલિક સ્થાન (ઈરાન સાથેની ૫૬૫ માઈલની સરહદ) તેના માટે આશીર્વાદરૂપ સાબિત થયું. હવે પાકિસ્તાન ટ્રમ્પનો શાંતિ સંદેશ તેહરાન સુધી પહોંચાડી રહ્યું છે.
પોતાના સ્વાર્થની સાધના
આ મધ્યસ્થીના બદલામાં પાકિસ્તાન પોતાનું આર્થિક અને વ્યૂહાત્મક હિત સાધી રહ્યું છે. વૈશ્વિક સ્તરે પોતાની સ્વીકૃતિ વધારવાની સાથે તે અમેરિકા પાસેથી આર્થિક મદદ અને લશ્કરી સહયોગની અપેક્ષા રાખી રહ્યું છે. આમ, સોદાબાજીની કળામાં માહિર ગણાતા ટ્રમ્પ સાથે પાકિસ્તાને પણ 'ડીલ' કરીને દક્ષિણ એશિયાના રાજકારણમાં ફરી પોતાની પકડ મજબૂત કરી છે.

(5:21 PM IST)