<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

અન્નામલાઈનો મોટો નિર્ણય: સીટ-શેરિંગના વિવાદમાં ચૂંટણી નહીં લડવાની જાહેરાત

તમિલનાડુમાં AIADMK સાથે બેઠકોની વહેંચણીમાં ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ કે. અન્નામલાઈની નારાજગી ચરમસીમાએ: દિલ્હી હાઈકમાન્ડને પત્ર લખી મેદાન છોડવાનો સંકેત આપતા રાજકીય ગરમાવો

ચેન્નાઈ:  તમિલનાડુ વિધાનસભા ચૂંટણી 2026 પૂર્વે ભાજપમાં મોટું રાજકીય તોફાન આવ્યું છે. ભાજપના કદાવર નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ કે. અન્નામલાઈએ આગામી 23 એપ્રિલે યોજાનારી ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અન્નામલાઈએ દિલ્હીમાં પાર્ટી હાઈકમાન્ડને પત્ર લખીને AIADMK સાથે થયેલી સીટ-શેરિંગની વ્યવસ્થા સામે સખત વિરોધ નોંધાવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જે રીતે ગઠબંધનમાં ભાજપને નબળી બેઠકો ફાળવવામાં આવી છે, તેનાથી તેઓ અત્યંત નારાજ છે અને આ સંજોગોમાં તેઓ ચૂંટણી લડવા માંગતા નથી.

અન્નામલાઈની મુખ્ય નારાજગી એ વાતને લઈને છે કે AIADMK એ ભાજપને એવી બેઠકો ફાળવી છે જ્યાં જીતની શક્યતા ઓછી છે, જ્યારે ભાજપના મજબૂત ગઢ ગણાતી કિનાથુકાડુ જેવી બેઠકો પોતાની પાસે રાખી છે. અન્નામલાઈએ હાઈકમાન્ડને મોકલેલા સંદેશમાં જણાવ્યું છે કે "ભાજપની પસંદગી અને સંભાવનાઓ મર્યાદિત કરી દેવામાં આવી છે." તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે AIADMK એ પહેલા અન્ય નાના સાથી પક્ષો સાથે બેઠકો નક્કી કરી અને અંતે ભાજપને વધેલી-ઘટેલી બેઠકો પધરાવી દીધી, જે પક્ષના વિકાસ માટે નુકસાનકારક છે.

આ ઘટનાક્રમ બાદ તમિલનાડુ ભાજપના કાર્યકરોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. અનેક સ્થળોએ કાર્યકરોએ સીટ-શેરિંગ સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે. જોકે, અન્નામલાઈએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ચૂંટણી નહીં લડે પણ એક સામાન્ય કાર્યકર તરીકે પક્ષ માટે કામ કરવાનું ચાલુ રાખશે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ હાઈકમાન્ડ અન્નામલાઈને મનાવવામાં સફળ રહે છે કે પછી તમિલનાડુમાં ભાજપને આ આંતરિક કલહને કારણે મોટો ફટકો સહન કરવો પડશે.

(5:43 PM IST)