<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

આકાશમાં જ દુશ્મનનો ખેલ ખતમ: ભારતની નવી એર ડિફેન્સ સિસ્ટમથી ચીન-પાકિસ્તાન ફફડ્યા

₹858 કરોડના બે ઐતિહાસિક સંરક્ષણ કરાર સંપન્ન: રશિયન 'તુંગુસ્કા' સિસ્ટમ હવે ભારતીય સરહદોની રક્ષા કરશે અને નૌકાદળના P8I વિમાનોનું જાળવણી હવે 'મેક ઈન ઈન્ડિયા' હેઠળ સ્વદેશમાં જ થશે

નવી દિલ્હી:  ભારતીય સંરક્ષણ ક્ષેત્રે આજે એક નવો અધ્યાય લખાયો છે, જેનાથી પડોશી દુશ્મન દેશોની ઊંઘ હરામ થઈ ગઈ છે. 27 માર્ચ, 2026ના રોજ નવી દિલ્હીના કર્તવ્ય ભવન-2 ખાતે ભારત સરકારે ₹858 કરોડના બે અત્યંત મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા છે. આ વ્યૂહાત્મક પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની હવાઈ અને દરિયાઈ સરહદોને એટલી અભેદ્ય બનાવવાનો છે કે કોઈ પણ દુશ્મન ડ્રોન, ફાઈટર જેટ કે ક્રુઝ મિસાઈલ ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતા જ આકાશમાં બળીને રાખ થઈ જાય. આ કરારો ભારતને સંરક્ષણ ક્ષેત્રે 'ગ્લોબલ પાવરહાઉસ' બનાવવાની દિશામાં એક મોટું ડગલું માનવામાં આવે છે.

આ સોદા અંતર્ગત ભારતીય સેનાને રશિયાની અત્યાધુનિક 'તુંગુસ્કા' એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ મળવા જઈ રહી છે, જેના માટે ₹445 કરોડનો કરાર કરવામાં આવ્યો છે. આ સિસ્ટમ તેની સચોટતા અને રફ્તાર માટે જાણીતી છે, જે આંખના પલકારામાં આધુનિક ડ્રોન અને મિસાઈલોને તોડી પાડવા સક્ષમ છે. રશિયા સાથેના આ સહયોગથી ભારતની ફાયરપાવરમાં અનેકગણો વધારો થશે. આ મિસાઈલ સિસ્ટમ તૈનાત થતા જ સરહદ પારથી થતી કોઈ પણ નાપાક હરકતનો જડબાતોડ જવાબ હવામાં જ મળી જશે, જે ચીન અને પાકિસ્તાન માટે સીધી ચેતવણી સમાન છે.

બીજી તરફ, ભારતીય નૌકાદળની તાકાત વધારવા માટે બોઇંગ ઇન્ડિયા ડિફેન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે ₹413 કરોડનો જાળવણી કરાર કરવામાં આવ્યો છે. હવે નૌકાદળના શક્તિશાળી P8I સર્વેલન્સ વિમાનોનું મેન્ટેનન્સ અને નિરીક્ષણ સંપૂર્ણપણે ભારતમાં જ કરવામાં આવશે. આ નિર્ણય 'આત્મનિર્ભર ભારત' અને 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનને નવી ઊંચાઈ પર લઈ જશે. હવે આપણે આપણા અત્યાધુનિક વિમાનોની મરમ્મત માટે વિદેશી કંપનીઓ કે અન્ય દેશો પર નિર્ભર રહેવું નહીં પડે, જેનાથી નાણાંની બચત સાથે સ્વદેશી ટેકનોલોજીને પણ પ્રોત્સાહન મળશે.

(6:46 PM IST)