News of Friday, 27th March 2026
ભારતનું ‘સંરક્ષણ કવચ’ અભેદ્ય બનશે: ₹2.38 લાખ કરોડના શસ્ત્રોની ખરીદીને મંજૂરી
ચીન-પાકિસ્તાન સરહદે સંભવિત યુદ્ધની તૈયારીઓ તેજ: રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં S-400 મિસાઈલ સિસ્ટમ : ધનુષ ગન અને આધુનિક ફાઈટર જેટ એન્જિનના અપગ્રેડેશન સહિતના મેગા પ્રસ્તાવો પર મહોર

નવી દિલ્હી: ભારત પોતાની લશ્કરી તાકાતને નવા સ્તરે લઈ જવા માટે તૈયાર છે. 27 માર્ચ, 2026 ના રોજ રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) ની બેઠકમાં ₹2.38 લાખ કરોડના સંરક્ષણ પ્રસ્તાવોને મંજૂરી (AoN) આપવામાં આવી છે. આ ઐતિહાસિક નિર્ણય પાછળનો હેતુ પડોશી દેશો તરફથી વધતા ખતરા સામે ભારતની આર્મી, નેવી અને એરફોર્સને દુનિયાના સૌથી આધુનિક શસ્ત્રોથી સજ્જ કરવાનો છે. આ મંજૂરી બાદ ભારતીય સેનાને 'ધનુષ' ગન સિસ્ટમ, હાઈ-કેપેસિટી રેડિયો રિલે અને રનવે વિના પણ ઉડી શકે તેવી સર્વેલન્સ સિસ્ટમ મળશે, જે ગમે તેવા કપરા ભૂપ્રદેશમાં દુશ્મનના દાંત ખાટા કરવા સક્ષમ છે.
વાયુસેના (IAF) માટે આ સોદો ગેમ-ચેન્જર સાબિત થશે. સરકારે રશિયન નિર્મિત S-400 લાંબા અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમ અને સુખોઈ-30 (Su-30) ના શક્તિશાળી એરોએન્જિનના નવીનીકરણને લીલી ઝંડી આપી છે. આ સિસ્ટમ કાર્યરત થવાથી ભારતીય આકાશમાં દુશ્મનનું વિમાન કે મિસાઈલ પ્રવેશતા પહેલા જ નષ્ટ થઈ જશે. આ ઉપરાંત, જૂના થઈ ગયેલા AN32 અને IL76 વિમાનોના સ્થાને નવા મધ્યમ પરિવહન વિમાનો અને રિમોટલી પાઇલોટેડ સ્ટ્રાઇક એરક્રાફ્ટ (ડ્રોન) નો સમાવેશ કરવામાં આવશે, જે આક્રમક વળતા હુમલા અને ગુપ્ત દેખરેખમાં ભારતની ક્ષમતા અનેકગણી વધારી દેશે.
માત્ર જમીન અને આકાશ જ નહીં, પણ દરિયાઈ સરહદો પર પણ બાજ નજર રાખવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડને હેવી ડ્યુટી ‘એર કુશન’ વાહનોની ભેટ મળશે. આ વાહનો હાઈ-સ્પીડ પેટ્રોલિંગ, સર્ચ એન્ડ રેસ્ક્યુ અને લોજિસ્ટિક્સ પરિવહન માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. નોંધનીય છે કે નાણાકીય વર્ષ 2025-26 માં સરકારે કુલ ₹6.73 લાખ કરોડના સંરક્ષણ પ્રસ્તાવોને મંજૂરી આપી છે, જે ભારતના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આ તૈયારીઓ સ્પષ્ટ સંકેત આપે છે કે ભારત હવે માત્ર સંરક્ષણ જ નહીં, પરંતુ જરૂર પડ્યે જડબાતોડ જવાબ આપવા માટે પણ સજ્જ છે.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
