<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

ઈરાન સામે જંગની તૈયારી: G7 દેશોને મનાવવા મેદાનમાં ઉતરેલા રુબિયોના આકરા તેવર

ટ્રમ્પ દ્વારા નાટો દેશોની જાટકણી કાઢવામાં આવ્યા બાદ વિદેશ મંત્રી માર્કો રુબિયો ફ્રાન્સ પહોંચ્યા: 'હું અહીં કોઈને ખુશ કરવા નથી આવ્યો' તેમ કહી યુરોપિયન દેશોને ઈરાન વિરુદ્ધ અમેરિકાની સૈન્ય નીતિમાં જોડાવા સ્પષ્ટ ચેતવણી

પેરિસ:  મધ્ય પૂર્વમાં ઈરાન સાથે વધતા જતા તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અત્યારે ફ્રાન્સના પ્રવાસે છે, જ્યાં તેઓ G7 દેશોના વિદેશ મંત્રીઓ સાથે મહત્વની બેઠક કરી રહ્યા છે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાટો (NATO) દેશો પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે જ્યારે રશિયાથી બચવાની વાત આવે ત્યારે તેઓ અમેરિકા પર નિર્ભર રહે છે, પરંતુ ઈરાન સામેની લડાઈમાં તેઓ પીછેહઠ કરી રહ્યા છે. રુબિયો પર અત્યારે બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને જાપાન જેવા દેશોને અમેરિકાની ઈરાન નીતિ પર સહમત કરવાનો ભારે દબાણ છે, કારણ કે આ દેશો યુદ્ધના માર્ગે જવા અંગે શંકાશીલ છે.

માર્કો રુબિયોએ પેરિસ પહોંચતા જ પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં રોકડું પરખાવ્યું હતું કે, "હું અહીં ફ્રાન્સ, જર્મની કે જાપાનને ખુશ કરવા નથી આવ્યો, હું અમેરિકન લોકોના હિત માટે કામ કરું છું." તેમણે ઉમેર્યું કે સમગ્ર વિશ્વએ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માનવો જોઈએ જેઓ ઈરાન જેવા વૈશ્વિક ખતરા સામે અડીખમ ઉભા છે. રુબિયોએ G7 ના દેશોને અપીલ કરી છે કે જો તેઓ આંતરરાષ્ટ્રીય કાયદાનું સન્માન કરતા હોય, તો તેમણે હોર્મુઝની ખાડીમાં ઈરાન દ્વારા અપાઈ રહેલી ધમકીઓ સામે અમેરિકાની સાથે ખભેખભો મિલાવીને ઉભા રહેવું જોઈએ.

બીજી તરફ, G7 દેશોમાં અમેરિકાના આ વલણ સામે ભારે અજંપો જોવા મળી રહ્યો છે. ફ્રેન્ચ સંરક્ષણ વડા જનરલ ફેબિયન મેન્ડોને ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે અમેરિકા હવે પહેલા જેવો ભરોસાપાત્ર સાથી રહ્યો નથી, કારણ કે તેમણે યુદ્ધની શરૂઆત વિશે સાથી દેશોને જાણ સુધ્ધાં કરી નહોતી. જર્મની અને બ્રિટને પણ મધ્ય પૂર્વમાં સ્થિરતા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે, પરંતુ તેઓ અમેરિકાના આક્રમક વલણથી ડરી રહ્યા છે. રુબિયોની આ મુલાકાત ઈરાન સાથેના આ યુદ્ધમાં અમેરિકાને સાથી દેશોનો લશ્કરી ટેકો અપાવશે કે કેમ, તેના પર અત્યારે આખી દુનિયાની નજર ટકેલી છે.

(7:05 PM IST)