News of Friday, 27th March 2026
સાવધાન! વૃદ્ધો માટે મુઠ્ઠીભર દવાઓ બની શકે છે જીવલેણ: ચોંકાવનારો ખુલાસો
વધુ પડતી દવાઓ લેવાથી ચક્કર, નબળાઈ અને પડી જવાનું જોખમ વધ્યું: 'પોલીફાર્મસી' વિરુદ્ધ નિષ્ણાતોની લાલબત્તી, નબળા દર્દીઓમાં બિનજરૂરી દવાઓ બંધ કરવી સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક

નવી દિલ્હી: ભારતમાં વૃદ્ધોમાં વધતી જતી 'પોલીફાર્મસી' (એકસાથે અનેક દવાઓનો ઉપયોગ) હવે ગંભીર ચિંતાનો વિષય બની છે. તાજેતરમાં BMC ગેરીઆટ્રિક્સ જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ માટે લેવામાં આવતી વધુ પડતી દવાઓ વૃદ્ધોના શરીરને ફાયદા કરતા નુકસાન વધુ પહોંચાડી રહી છે. નિષ્ણાતોના મતે, જ્યારે વૃદ્ધ દર્દીઓ અલગ-અલગ નિષ્ણાત ડોકટરો પાસે જાય છે, ત્યારે ઘણીવાર તેમના જૂના પ્રિસ્ક્રિપ્શનની સમીક્ષા થતી નથી, પરિણામે તેઓ જરૂરિયાત કરતા વધુ ગોળીઓ ગળે છે. આ વધારાની દવાઓ શરીરમાં ઝેરી અસરો પેદા કરી શકે છે અને દવાઓની અંદરોઅંદરની પ્રતિક્રિયા (Drug Interaction) જીવલેણ સાબિત થઈ શકે છે.
ડૉક્ટરોનું કહેવું છે કે વૃદ્ધાવસ્થામાં બ્લડ પ્રેશરને અતિશય નિયંત્રિત કરવાથી ચક્કર આવવાની સમસ્યા વધે છે, જે ગંભીર રીતે પડી જવાનું કારણ બને છે. રામ મનોહર લોહિયા હોસ્પિટલના પ્રોફેસર ડૉ. પુલિન ગુપ્તાના જણાવ્યા અનુસાર, પ્રાથમિક નિવારણ માટે લેવામાં આવતી એસ્પિરિન જેવી દવાઓ પણ નાજુક વૃદ્ધ દર્દીઓ માટે હાનિકારક હોઈ શકે છે. ખાસ કરીને ડ્યુરેટિક્સ અને ઇન્સ્યુલિન જેવી દવાઓ ઇલેક્ટ્રોલાઇટ અસંતુલન અથવા બ્લડ સુગર અચાનક ઘટાડી (હાઈપોગ્લાયકેમિઆ) શકે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જો ડોક્ટરની દેખરેખ હેઠળ બિનજરૂરી દવાઓ વ્યવસ્થિત રીતે ઘટાડવામાં આવે, તો દર્દીની ચેતના અને ઉર્જા સ્તરમાં નોંધપાત્ર સુધારો જોવા મળે છે.
વૃદ્ધોમાં વધતી જતી મૂંઝવણ અને હોસ્પિટલમાં દાખલ થવાના કેસો પાછળ ઘણીવાર આ દવાઓનો ભાર જવાબદાર હોય છે. સામાન્ય રીતે લોકો એવું માને છે કે વધુ દવા એટલે વધુ સારી સારવાર, પરંતુ હકીકતમાં વૃદ્ધોના કિસ્સામાં 'ઓછી દવા, વધુ સુરક્ષા'નો સિદ્ધાંત વધુ કારગત નીવડે છે. નિષ્ણાતો 'ડિપ્રાઇસ્ક્રાઇબિંગ' એટલે કે બિનજરૂરી દવાઓ ઘટાડવાની પ્રક્રિયાને પ્રોત્સાહન આપી રહ્યા છે. જો તમારા ઘરમાં પણ કોઈ વૃદ્ધ વ્યક્તિ અનેક દવાઓ લઈ રહ્યા હોય, તો સમયાંતરે કોઈ કુશળ તબીબ પાસે તેના તમામ પ્રિસ્ક્રિપ્શનની સમીક્ષા કરાવવી અત્યંત આવશ્યક છે, જેથી લાંબા ગાળે થતી ગંભીર આડઅસરોથી બચી શકાય.
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
