News of Friday, 27th March 2026
ધર્મના નામે ધતિંગ અને અત્યાચાર: "હું શિવ છું, તું મારી પાર્વતી છે" કહી મહિલા પર બળાત્કાર ગુજારનાર પાખંડી બાબા ઋષિકેશ વૈદ્ય વિરુદ્ધ ગુનો દાખલ!
પોતાને મહાદેવનો અવતાર ગણાવી નશીલા પદાર્થ પીવડાવી આચર્યું દુષ્કર્મ; વાંધાજનક ફોટા પાડી બ્લેકમેલ કરનાર 'આમચી વસઈ' સંસ્થાના પ્રમુખને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

પાલઘર:મહારાષ્ટ્રમાં ધર્મના ઓઠા હેઠળ ભોળી મહિલાઓને શિકાર બનાવતા વધુ એક પાખંડી બાબાનો પર્દાફાશ થયો છે. પાલઘર જિલ્લાના સ્વયંભૂ ધર્મગુરુ ઋષિકેશ વૈદ્ય સામે એક ૩૫ વર્ષીય મહિલાએ બળાત્કાર અને બ્લેકમેલિંગની ગંભીર ફરિયાદ નોંધાવી છે. તાજેતરમાં નાસિકમાં અશોક ખરાટ નામના અન્ય એક નકલી બાબાની ધરપકડ બાદ, પીડિતાએ હિંમત ભેગી કરીને આ નરાધમ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે.
ફેસબુકથી શરૂ થઈ જાળ
પીડિતા ૨૦૨૩માં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક દ્વારા ઋષિકેશ વૈદ્યના સંપર્કમાં આવી હતી. એફઆઈઆર (FIR) મુજબ, ડિસેમ્બર ૨૦૨૩માં આરોપી મહિલાને મળવા પુણે આવ્યો હતો. ત્યાં તેણે દાવો કર્યો હતો કે તે સાક્ષાત્ 'ભગવાન શિવ'નો અવતાર છે અને તે તેની 'પાર્વતી' છે. આ ધાર્મિક જાળમાં ફસાવીને તે મહિલાને પુણેના મંજરી વિસ્તારની એક લોજમાં લઈ ગયો હતો.
નશીલું પીણું પીવડાવી આચર્યું કૃત્ય
આરોપ છે કે પાખંડી ઋષિકેશ વૈદ્યએ મહિલાને કોઈ નશીલો પદાર્થ પીવડાવ્યો હતો અને તે બેભાન અવસ્થામાં હતી ત્યારે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં, તેણે મહિલાના વાંધાજનક ફોટા પણ પાડી લીધા હતા. આ ફોટાઓના આધારે તેણે મે ૨૦૨૪માં ફરીથી મહિલાને બ્લેકમેલ કરીને શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. પીડિતાનો આરોપ છે કે તેની જેમ અન્ય અનેક મહિલાઓ પણ આ પાખંડીનો શિકાર બની છે.
કોણ છે ઋષિકેશ વૈદ્ય?
આરોપી ઋષિકેશ વૈદ્ય પાલઘર જિલ્લામાં "આમચી વસઈ" નામની એક સામાજિક સંસ્થા ચલાવે છે. તે આ સંસ્થાના માધ્યમથી લોકોને આધ્યાત્મિકતાનો ઉપદેશ આપતો હતો અને પોતાની સમાજસેવી છબી ઊભી કરી હતી. જોકે, તેની પાછળ તે વાસનાનો ખેલ ખેલતો હોવાનું હવે બહાર આવ્યું છે. હાલમાં તેણે ફેસબુક પોસ્ટ દ્વારા પોતાની પરના આરોપોને નકાર્યા છે, પરંતુ પોલીસ તેને પકડવા માટે સજ્જ છે.
પોલીસની કાર્યવાહી
વસઈના માણિકપુર પોલીસ સ્ટેશનમાં પ્રાથમિક ફરિયાદ બાદ, ઘટનાસ્થળ પુણે હોવાથી કેસ હડપસર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ક્રાઈમ) નિખિલ પિંગળેએ જણાવ્યું કે, આરોપીને પકડવા માટે ખાસ ટીમ બનાવવામાં આવી છે અને તેને ટૂંક સમયમાં જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે.
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
