News of Friday, 27th March 2026
ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં માતમ છવાયો: મુંડન કરાવી પરત ફરી રહેલા પરિવારને નડ્યો ભયાનક અકસ્માત, ટ્રેલર સાથે પિકઅપ ગાડી અથડાતા ૮ ના કરુણ મોત અને ૧૮ ઘાયલ!
સર્જાયો હાઈવે પર કાળમુખો અકસ્માત; પ્રયાગરાજથી ફતેહપુર જઈ રહેલી ગાડીનો કચ્ચરઘાણ નીકળ્યો, મૃતકોમાં માસૂમ બાળકો અને મહિલાઓ સામેલ હોવાની આશંકા

કૌશાંબી: આજે સમગ્ર દેશમાં જ્યારે રામનવમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે, ત્યારે ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. પ્રયાગરાજમાં પવિત્ર મુંડન વિધિ પતાવીને ખુશી-ખુશી ઘરે પરત ફરી રહેલા એક પરિવારની પિકઅપ ગાડીને કાળ આંબી ગયો છે. હાઈવે પર ઉભેલા એક વિશાળ ટ્રેલર સાથે પિકઅપ ગાડી જોરદાર રીતે અથડાતા ૮ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે ૧૮ અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ખુશીનો પ્રસંગ માતમના ફેરવાયો
મળતી માહિતી મુજબ, ફતેહપુર જિલ્લાના રહેવાસી અંદાજે ૨૬ જેટલા શ્રદ્ધાળુઓ એક બાળકના મુંડન સંસ્કાર માટે પ્રયાગરાજ ગયા હતા. પવિત્ર સ્નાન અને વિધિ પતાવીને તમામ લોકો એક પિકઅપ ગાડીમાં સવાર થઈને પરત ફરી રહ્યા હતા. બપોરના ૩:૩૦ વાગ્યાની આસપાસ જ્યારે તેમની ગાડી પ્રયાગરાજ-કાનપુર નેશનલ હાઈવે પર સૈની કોતવાલી વિસ્તારના ડોરમા ગામ પાસે પહોંચી, ત્યારે ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ગાડી રસ્તાની બાજુમાં ઉભેલા એક સ્થિર ટ્રેલર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.
ચીસિયારીઓથી ગુંજી ઉઠ્યો હાઈવે
અકસ્માત એટલો ભયાનક હતો કે પિકઅપ ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને અંદર સવાર લોકો લોહીલુહાણ હાલતમાં ફસાઈ ગયા હતા. હાઈવે પરથી પસાર થતા લોકો અને સ્થાનિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ૮ લોકોએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો. અકસ્માત બાદ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને સર્વત્ર મરણચીસો સંભળાતી હતી.
બચાવ કામગીરી અને સારવાર
ઘટનાની જાણ થતા જ સૈની કોતવાલી પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તમામ ૧૮ ઘાયલોને તાત્કાલિક સિરાથુના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઘણાની હાલત નાજુક હોવાથી તેમને વધુ સારવાર માટે મંઝનપુરની જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને ફતેહપુરમાં રહેતા તેમના પરિવારજનોને જાણ કરી છે.
પોલીસ હાલ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ કરી રહી છે. શું ડ્રાઈવરને ઝોકું આવી ગયું હતું કે ગાડીમાં કોઈ યાંત્રિક ખામી સર્જાઈ હતી, તે દિશામાં પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ દુર્ઘટનાને પગલે ફતેહપુરના એ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે જ્યાં આ પરિવાર રહેતો હતો.
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
