News of Friday, 27th March 2026
હોર્મુઝની સામુદ્રધુની બની ઈરાનનું અભેદ્ય કવચ: અમેરિકા અને ઈઝરાયલ માટે આ દરિયાઈ માર્ગ ખોલવો લોઢાના ચણા ચાવવા સમાન, દુનિયા પર તોળાતું તેલ સંકટ!
સર્વોચ્ચ નેતા ખામેનીના મૃત્યુ બાદ તેહરાનનું આક્રમક વલણ; પહાડોમાં છુપાયેલી મિસાઈલો અને સમુદ્રમાં બિછાવેલી સુરંગોએ યુએસ નૌકાદળની ચિંતા વધારી, ભારત સહિતના મિત્ર દેશો માટે જ માર્ગ ખુલ્લો

નવી દિલ્હી:મધ્ય પૂર્વમાં ચાલી રહેલો ભીષણ સંઘર્ષ હવે જમીન પરથી સમુદ્ર સુધી પહોંચી ગયો છે. વિશ્વના સૌથી વ્યસ્ત તેલ માર્ગ ગણાતી હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) અત્યારે ઈરાન માટે એક મજબૂત ઢાલ બની ગઈ છે. ૨૮ ફેબ્રુઆરીએ અમેરિકી હુમલામાં ઈરાની નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના મોતના પ્રતિશોધમાં ઈરાને આ સાંકડા માર્ગ પર કડક નાકાબંધી કરી દીધી છે, જેના કારણે વૈશ્વિક તેલ બજારમાં હડકંપ મચી ગયો છે.
ભૌગોલિક સ્થિતિ: ઈરાનનું સૌથી મોટું હથિયાર
હોર્મુઝની સામુદ્રધુની ભૌગોલિક રીતે અત્યંત સાંકડી અને છીછરી છે, જેનો ફાયદો ઈરાનને મળી રહ્યો છે. ઈરાને તેના પર્વતીય વિસ્તારો અને ગુપ્ત સુરંગોમાં ઘાતક મિસાઈલ સિસ્ટમ અને ડ્રોન તૈનાત કર્યા છે. આ માર્ગ પરથી પસાર થતા જહાજો ઈરાની કિનારાની એટલી નજીક હોય છે કે હુમલો થાય તો બચવા માટે માત્ર થોડી મિનિટો જ મળે છે. અત્યાર સુધીમાં ૧૭ જહાજો ઈરાની હુમલાનો શિકાર બની ચૂક્યા છે, જેના કારણે શિપિંગ કંપનીઓ આ માર્ગનો ઉપયોગ કરતા ફફડી રહી છે.
અમેરિકા માટે સૈન્ય ઉકેલ કેમ મુશ્કેલ?
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ૪૮ કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું, પરંતુ હવે તેમના સૂર નરમ પડતા દેખાય છે. નિષ્ણાતોના મતે, આ માર્ગને લશ્કરી તાકાતથી ખોલવો અત્યંત જોખમી છે. ઈરાને સમુદ્રમાં ઠેર-ઠેર 'માઈનફિલ્ડ્સ' (દરિયાઈ સુરંગો) બિછાવી છે, જેને હટાવવામાં અઠવાડિયાઓ લાગી શકે છે. આ દરમિયાન અમેરિકી યુદ્ધ જહાજો પર ડ્રોન હુમલાનો સતત ખતરો રહે છે. હાલમાં ટ્રમ્પે હુમલાની યોજના ૫ દિવસ માટે મુલતવી રાખી છે અને રાજદ્વારી વાતચીત પર ભાર મૂક્યો છે.
ઈરાનની 'ટોલ સિસ્ટમ' અને મિત્ર દેશોને છૂટ
ઈરાને આ માર્ગ પર એક નવી 'ટોલ સિસ્ટમ' લાગુ કરી છે. જે અંતર્ગત ભારત, રશિયા, ચીન અને પાકિસ્તાન જેવા મિત્ર દેશોના જહાજોને ખાસ પરવાનગી અને કોડ સાથે પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે. ૧૩ માર્ચથી અત્યાર સુધીમાં આવા ૨૬ જહાજો પસાર થયા છે. જોકે, દુશ્મન દેશો માટે આ માર્ગ સંપૂર્ણપણે બંધ છે, જેના કારણે પર્સિયન ગલ્ફમાં સેંકડો તેલ ટેન્કરો અટવાઈ પડ્યા છે.
વૈશ્વિક અર્થતંત્ર પર ખતરો
ઈરાને ચીમકી આપી છે કે જો સંઘર્ષ વધશે તો તે લાલ સમુદ્રને જોડતી 'બાબ અલ-મંડેબ' સામુદ્રધુનીને પણ નિશાન બનાવી શકે છે. જો આવું થશે તો વિશ્વના વેપારને એવો ફટકો પડશે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. હાલમાં વિશ્વની નજર તેહરાન અને વોશિંગ્ટન વચ્ચેની બેક-ચેનલ વાટાઘાટો પર ટકેલી છે, કારણ કે આ કટોકટીનો ઉકેલ માત્ર રાજદ્વારી સમજૂતી જ લાવી શકે તેમ છે.
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
