<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

નેપાળમાં 'રેપર' વડાપ્રધાનનો દબદબો: બાલેન શાહે શપથ લેતા પહેલા જ 'જય મહાકાલી' રેપ સોંગથી મચાવી ધૂમ, સોશિયલ મીડિયા પર કલાકોમાં ૩૧ લાખ વ્યુઝ!

૩૫ વર્ષની વયે દેશના સૌથી યુવા પીએમ બની બાલેને રચ્યો ઇતિહાસ; મધેશ પ્રદેશના પ્રથમ નેતા જેણે સંભાળી નેપાળની કમાન, સંગીત અને શક્તિના મિશ્રણથી યુવા પેઢીમાં ભારે ક્રેઝ

કાઠમંડુ: નેપાળના રાજકારણમાં આજે એક નવો સૂર્યોદય થયો છે. વિશ્વના રાજકીય ઈતિહાસમાં કદાચ પ્રથમવાર એવું બન્યું હશે કે કોઈ વડાપ્રધાન પોતાના શપથ ગ્રહણ સમારોહના થોડા કલાકો પહેલા એક ધમાકેદાર રેપ ગીત રજૂ કરે. ૩૫ વર્ષીય લોકપ્રિય રેપર અને નેતા બાલેન શાહે આજે નેપાળના ૪૭મા વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. તેઓ આ પ્રતિષ્ઠિત પદ સંભાળનારા નેપાળના અત્યાર સુધીના સૌથી યુવા નેતા બની ગયા છે.
શપથ પહેલા 'જય મહાકાલી'નો ગુંજારવ
પોતાની આગવી શૈલી માટે જાણીતા બાલેને શપથ લેતા પહેલા "જય મહાકાલી" નામનો એક ખાસ રેપ ટ્રેક રિલીઝ કર્યો હતો. આ ગીતમાં તેમણે સંગીતના માધ્યમથી દેશવાસીઓને એકતા અને રાષ્ટ્રીય શક્તિનો સંદેશ આપ્યો છે. નેપાળી ભાષામાં રેપ કરતા તેઓ કહે છે કે, "એકતાની તાકાત એ જ મારી રાષ્ટ્રીય શક્તિ છે... આ વખતે ઈતિહાસ રચાઈ રહ્યો છે." આ ગીત વર્ષો પહેલા બન્યું હતું, પરંતુ તેને વર્તમાન ચૂંટણી પ્રચારના દ્રશ્યો સાથે ૨૬ માર્ચે ફરી રિલીઝ કરવામાં આવતા સોશિયલ મીડિયા પર વાવાઝોડું આવી ગયું છે. રિલીઝના ગણતરીના કલાકોમાં જ તેને ૩૧ લાખથી વધુ લોકોએ નિહાળ્યું છે.
ઐતિહાસિક જીત અને નવા યુગની શરૂઆત
કાઠમંડુમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે બાલેન શાહને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટીના વરિષ્ઠ નેતા એવા બાલેને ૫ માર્ચની ચૂંટણીમાં પ્રચંડ બહુમતી મેળવી હતી. તેઓ મધેશ પ્રદેશમાંથી આવતા નેપાળના પ્રથમ વડાપ્રધાન પણ છે, જે નેપાળના રાજકીય અને સામાજિક માળખામાં એક મોટું પરિવર્તન સૂચવે છે.
યુવાનોના આઈકોન બન્યા બાલેન
એક એન્જિનિયર, રેપર અને હવે દેશના વડાપ્રધાન—બાલેન શાહની આ સફર નેપાળના યુવાનો માટે પ્રેરણારૂપ બની છે. પરંપરાગત રાજકારણના જૂના માળખાને તોડીને ડિજિટલ પ્લેટફોર્મ અને સંગીત દ્વારા જનતા સાથે સીધો સંવાદ સાધવાની તેમની કળાએ તેમને રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધા છે. હવે સમગ્ર વિશ્વની નજર એ વાત પર છે કે આ 'મૉડર્ન' વડાપ્રધાન હિમાલયના આ દેશને વિકાસના કયા શિખરે લઈ જાય છે.

(7:53 PM IST)