<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

LPGના ભાવ વધારા પર PM મોદીની નકલ કરવી ગુનો નથી: હાઈકોર્ટે શિક્ષકના સસ્પેન્શન પર લગાવી રોક; કહ્યું- 'સસ્પેન્શન સિન્ડ્રોમ' હેઠળ ઉતાવળમાં લેવાયો હતો નિર્ણય!

ભાજપના ધારાસભ્યની ફરિયાદ બાદ DEOએ એક જ દિવસમાં શિક્ષકને કર્યા હતા સસ્પેન્ડ; મધ્ય પ્રદેશ હાઈકોર્ટે ઠપકો આપતા જણાવ્યું - "સત્તા હોવાનો અર્થ એ નથી કે તેનો મનસ્વી રીતે ઉપયોગ કરવો"

જબલપુર: લોકશાહીમાં વ્યંગ અને મિમિક્રી (નકલ) ને લઈને મધ્ય પ્રદેશ હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ અવલોકન કર્યું છે. ઇઝરાયલ-ઈરાન યુદ્ધને કારણે વધી રહેલા રાંધણ ગેસ (LPG) ના ભાવ અને અછત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નકલ કરતો વીડિયો બનાવનાર શિક્ષક સાકેત કુમાર પુરોહિતને મોટી રાહત મળી છે. હાઈકોર્ટે શિક્ષકના સસ્પેન્શન ઓર્ડર પર વચગાળાની રોક લગાવી દીધી છે.
શું હતો સમગ્ર વિવાદ?
શિવપુરી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સાકેત કુમાર પુરોહિતે સોશિયલ મીડિયા પર એક વ્યંગાત્મક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તેમણે પીએમ મોદીની નકલ કરીને ગેસના ભાવ વધારા પર કટાક્ષ કર્યો હતો. ભાજપના સ્થાનિક ધારાસભ્ય પ્રીતમ લોધીએ આ બાબતે વાંધો ઉઠાવી કાર્યવાહીની માંગ કરી હતી. પરિણામે, જિલ્લા શિક્ષણ અધિકારીએ (DEO) કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વગર તે જ દિવસે ૧૩ માર્ચે શિક્ષકને સસ્પેન્ડ કરી દીધા હતા.
હાઈકોર્ટનો આકરો પ્રહાર: 'સસ્પેન્શન સિન્ડ્રોમ'
જસ્ટિસ આશિષ શ્રોતીએ આ કેસની સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે સસ્પેન્શનનો આદેશ અત્યંત ઉતાવળમાં અને રાજકીય દબાણ હેઠળ લેવાયો હોય તેવું જણાય છે. કોર્ટે 'સસ્પેન્શન સિન્ડ્રોમ' શબ્દનો પ્રયોગ કરતા કહ્યું કે, સરકારી કર્મચારીને ત્યારે જ સસ્પેન્ડ કરી શકાય જ્યારે તેની સામે કોઈ મોટો ગુનો કે દંડની શક્યતા હોય. માત્ર વીડિયો પોસ્ટ કરવાથી સમાજમાં ખલેલ પહોંચે છે તેવો તર્ક ગળે ઉતરે તેવો નથી.
ન્યાયિક સમીક્ષાની મર્યાદા
રાજ્ય સરકારે દલીલ કરી હતી કે સસ્પેન્શન એ કોઈ સજા નથી, તેથી તે ન્યાયિક સમીક્ષાના કાર્યક્ષેત્રની બહાર હોવું જોઈએ. જોકે, હાઈકોર્ટે આ દલીલ ફગાવી દેતા સ્પષ્ટ કર્યું કે, "ફક્ત સત્તાધિકારી સક્ષમ છે એટલે તેનો અર્થ એ નથી કે તે મનસ્વી રીતે કોઈને પણ સસ્પેન્ડ કરી શકે. જો નિર્ણય લેવામાં બુદ્ધિનો ઉપયોગ ન થયો હોય, તો કોર્ટ ચોક્કસપણે દખલ કરશે."
અદાલતે હવે DEO ને ૨૦૦૫ની સરકારી સૂચનાઓ મુજબ આ મામલે ફરીથી વિચાર કરવા આદેશ આપ્યો છે અને નવો નિર્ણય ન આવે ત્યાં સુધી શિક્ષકની સજા પર રોક લગાવી દીધી છે. આ ચુકાદો સોશિયલ મીડિયા પર અભિવ્યક્તિ વ્યક્ત કરતા સરકારી કર્મચારીઓ માટે એક મોટી જીત સમાન માનવામાં આવે છે.

(7:55 PM IST)