તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Friday, 27th March 2026
પીએમ મોદીની આક્રમક રણનીતિ: ટ્રમ્પની ધમકીઓ છતાં રશિયા સાથે 'મેગા ગેસ ડીલ'ની તૈયારી : યુક્રેન જંગ પછી પહેલીવાર રશિયા પાસેથી સીધું LNG ખરીદવા ભારત સજ્જ
મધ્ય પૂર્વના યુદ્ધ અને અમેરિકી ટેરિફના ભય વચ્ચે ભારતનું મોટું પગલું: ક્રૂડ ઓઈલની આયાત પણ બમણી કરી 40% સુધી પહોંચાડવાનો માસ્ટરપ્લાન

નવી દિલ્હી: વૈશ્વિક રાજકારણના આ ગરમાગરમ માહોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક મોટો માસ્ટરસ્ટ્રોક ખેલ્યો છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને ડોનાલ્ડ ટ્રમ્પના કડક આર્થિક વલણની પરવા કર્યા વગર ભારત તેના જૂના અને ભરોસાપાત્ર મિત્ર રશિયા પાસેથી લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) ખરીદવાની અંતિમ તબક્કાની વાટાઘાટો કરી રહ્યું છે. રોઇટર્સના અહેવાલ મુજબ, જો આ સોદો પાર પડશે તો યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી આ પ્રથમ વખત હશે જ્યારે રશિયા સીધું જ ભારતને ગેસ સપ્લાય કરશે. આ પગલું પશ્ચિમી દેશોના પ્રતિબંધોને પડકારવા સમાન છે, પરંતુ ભારત પોતાની જરૂરિયાતને સર્વોપરી રાખી રહ્યું છે.
આ માત્ર ગેસ પૂરતું સીમિત નથી; રશિયા હવે ભારતને ક્રૂડ ઓઈલના વેચાણમાં પણ ધરખમ વધારો કરવા સંમત થયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત પોતાની કુલ તેલ આયાતના 40% જેટલો હિસ્સો માત્ર રશિયા પાસેથી લેવાનું આયોજન કરી રહ્યું છે, જે જાન્યુઆરીના સ્તર કરતા લગભગ બમણું છે. ગયા વર્ષે ભારતે રશિયા પાસેથી અંદાજે $44 બિલિયનનું તેલ ખરીદ્યું હતું, જેણે ભારતીય અર્થતંત્રને મોંઘવારીના મારથી બચાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. જોકે, આ બાબતે અમેરિકાના નવા વહીવટીતંત્ર સાથે ઘર્ષણ થવાની શક્યતા છે, તેમ છતાં દિલ્હીએ વોશિંગ્ટન સમક્ષ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે.
ભારતના વિદેશ મંત્રાલયે આ ડાયરેક્ટ LNG સોદા અંગે સત્તાવાર રીતે મૌન જાળવ્યું છે, પરંતુ પ્રવક્તા રણધીર જયસ્વાલે એવો સંકેત આપ્યો છે કે ભારત પોતાના ઉર્જા સ્ત્રોતોને સુરક્ષિત કરવા માટે રશિયા સહિત અનેક દેશો સાથે સતત સંપર્કમાં છે. નિષ્ણાતો માને છે કે જો હોર્મુઝની ખાડીમાં તણાવ વધે અને તેલના ભાવ આસમાને પહોંચે, તો રશિયા સાથેનો આ 'ડિસ્કાઉન્ટ સોદો' ભારત માટે સંજીવની સમાન સાબિત થશે. વડાપ્રધાન મોદીની આ મુત્સદ્દીગીરીએ સાબિત કરી દીધું છે કે વૈશ્વિક દબાણ વચ્ચે પણ ભારત પોતાના રાષ્ટ્રીય હિતો સાથે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી.
(8:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
