<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

સાયબર વર્લ્ડમાં મોટો ધડાકો: FBI ચીફ કાશ પટેલનું એકાઉન્ટ હેક, અમેરિકી સુરક્ષા એજન્સીઓમાં ફફડાટ

ઈરાની હેકર્સનો સનસનીખેજ દાવો: વિશ્વની સૌથી શક્તિશાળી ગુપ્તચર એજન્સીના ડાયરેક્ટરના પર્સનલ ફોટા અને ગુપ્ત દસ્તાવેજો ડાર્ક વેબ પર લીક કર્યા: 'હંડાલા' ગ્રુપે અમેરિકાની ડિજિટલ સુરક્ષાના ધજાગરા ઉડાડતા ખળભળાટ

વોશિંગ્ટન:   વિશ્વની સૌથી સુરક્ષિત ગણાતી અમેરિકી એજન્સી FBIના ડાયરેક્ટર કાશ પટેલ પોતે જ સાયબર હુમલાનો શિકાર બનતા આખું વિશ્વ ચોંકી ઉઠ્યું છે. પેલેસ્ટાઈન સમર્થક અને ઈરાન સાથે જોડાયેલા હોવાનું મનાતા 'હંડાલા હેક' નામના ગ્રુપે દાવો કર્યો છે કે તેમણે કાશ પટેલના પર્સનલ Gmail એકાઉન્ટમાં ઘૂસણખોરી કરીને વર્ષ ૨૦૧૦ થી ૨૦૧૯ સુધીના હજારો સંવેદનશીલ ઈમેઈલ્સ અને ખાનગી તસવીરો કબ્જે કરી લીધી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને ટેલિગ્રામ પર આ ડેટાના કેટલાક અંશો વાયરલ થવા લાગતા અમેરિકી રક્ષા મંત્રાલયમાં દોડધામ મચી ગઈ છે અને આને ઇતિહાસનો સૌથી મોટો 'હાઈ-પ્રોફાઈલ' સાયબર બ્રીચ માનવામાં આવી રહ્યો છે.

આ ઘટનાની ગંભીરતા ત્યારે વધી ગઈ જ્યારે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DOJ) ના એક વરિષ્ઠ અધિકારીએ પ્રાથમિક તપાસ બાદ સ્વીકાર્યું કે ઓનલાઈન લીક થયેલો ડેટા અસલી જણાય છે. હેકર્સનો દાવો છે કે આ મેઈલબોક્સમાં માત્ર અંગત વિગતો જ નહીં, પણ વ્યાવસાયિક અને વ્યૂહાત્મક મહત્વની ચર્ચાઓ પણ સામેલ છે. નિષ્ણાતો માની રહ્યા છે કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે આ કોઈ સામાન્ય હેકિંગ નથી, પરંતુ અમેરિકાને ભીંસમાં લેવા માટે ખેલાયેલું 'ડિજિટલ વોરફેર' છે. જોકે, FBI દ્વારા હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પણ આંતરિક રીતે સિસ્ટમનું ઓડિટ શરૂ કરી દેવામાં આવ્યું છે.

સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થયો છે કે જે વ્યક્તિ દેશની સુરક્ષાનું સુકાન સંભાળે છે, તેમનું અંગત એકાઉન્ટ આટલી સરળતાથી કેવી રીતે હેક થઈ ગયું? રિપોર્ટ્સ મુજબ, કાશ પટેલનું આ ઈમેઈલ આઈડી અગાઉ પણ અનેક ડેટા ભંગમાં એક્સપોઝ થયું હતું, જેનો ફાયદો ઉઠાવીને હેકર્સે કદાચ આ હુમલો અંજામ આપ્યો છે. આ હુમલાએ સાબિત કરી દીધું છે કે આજના જમાનામાં બંદૂકો કરતાં કીબોર્ડ વધુ ઘાતક સાબિત થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે અમેરિકા આ 'ડિજિટલ અપમાન'નો બદલો કેવી રીતે લે છે અને શું આ લીક થયેલા દસ્તાવેજોમાં કોઈ એવા રહસ્યો છે જે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવો વળાંક લાવી શકે છે.

(10:14 PM IST)