<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

ભારતમાં લોકડાઉનની કોઈ જરૂર નથી:દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે નહીં: નાણામંત્રી

નાણામંત્રીએ લોકડાઉનની આશંકા વ્યક્ત કરતા અહેવાલોને ફગાવી દીધા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ભારતમાં લોકડાઉનની કોઈ જરૂર નથી

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે રાજ્યસભામાં ફાયનાન્સ બિલ (Finance Bill) અંગે ચર્ચા સમયે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઈલ (Crude Oil In International Market)ની કિંમતો ઝડપભેર વધી રહી છે. તેમણે કહ્યુંકે એક મહિનામાં ક્રુડ ઓઈલ 70 ડોલર પ્રતિ બેરલથી વધીને 122 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. મધ્યપૂર્વમાં જે તણાવની સ્થિતિ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં અટકાવ તેનું મુખ્ય કારણ છે.

વિશ્વભરમાં કિંમતોમાં વધારો થયો છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે તેલના ભાવમાં વધારાથી સમગ્ર વિશ્વ પ્રભાવિત થયું છે.દક્ષિણ એશિયામાં 30-50% નો વધારો થયો છે. ઉત્તર અમેરિકામાં લગભગ 30% વધારો થયો છે. યુરોપમાં 20% અને આફ્રિકામાં 50% સુધી વધારો થયો છે.

 

નાણામંત્રીએ લોકડાઉનની આશંકા વ્યક્ત કરતા અહેવાલોને ફગાવી દીધા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ભારતમાં લોકડાઉનની કોઈ જરૂર નથી અને કેટલાક લોકો ગેરમાન્યતા ફેલાવી રહ્યા છે.

 

સરકારે સામાન્ય માણસને રાહત આપવા માટે એક મોટો નિર્ણય લીધો છે. પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી રૂપિયા 13 થી ઘટાડીને રૂપિયા 3 પ્રતિ લિટર (રૂપિયા 10 નો ઘટાડો) કરવામાં આવી છે. ડીઝલ પરની ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી છે (રૂપિયા 10 થી ઘટાડી રૂપિયા 0). આ નિર્ણય તાત્કાલિક લાગુ કરવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે આ પગલાથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે નહીં.

 

નાણામંત્રીએ જણાવ્યું હતું કે પુરવઠા ખર્ચમાં વધારો થવા છતાં સરકાર પોતે જ આ બોજ ઉઠાવી રહી છે જેથી સામાન્ય લોકોને અસર ન થાય. તેમણે સમજાવ્યું કે આ નિર્ણયથી સરકારને મહેસૂલનું નુકસાન થશે પરંતુ પ્રાથમિકતા જનતાને રાહત આપવાની છે.

 

સરકારે રિફાઇનરી કંપનીઓને સ્પષ્ટપણે સૂચના આપી છે કે તેઓ પહેલા ભારતમાં તેલની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે અને પછી જ નિકાસ કરે. નાણામંત્રીના મતે, પેટ્રોલ પર પ્રતિ લિટર રૂપિયા 24 અને ડીઝલ પર પ્રતિ લિટર રૂપિયા 30 નું નુકસાન થઈ રહ્યું છે.

 

પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 200%નો વધારો થયો છે. ત્યાં સ્માર્ટ લોકડાઉન અને અનેક નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.વીજળી કટોકટીને કારણે બાંગ્લાદેશમાં વીજળી ગુલ થઈ રહી છે અને ઈંધણની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતની પરિસ્થિતિ સુધરી રહી છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે આ પરિસ્થિતિઓ છતાં ભારતે સંતુલિત પરિસ્થિતિ જાળવી રાખી છે. સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને ખાતરી કરી રહી છે કે કોઈ પણ નાગરિકને કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે.

 

(11:34 PM IST)