News of Saturday, 28th March 2026
અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથના વિવાદાસ્પદ નિર્ણયથી લશ્કરમાં ભડકો
બે અશ્વેત અને બે મહિલા અધિકારીઓનું વન-સ્ટાર જનરલ પદ માટેનું પ્રમોશન અધવચ્ચે અટકાવ્યું

અમેરિકાના સંરક્ષણ વિભાગ (પેન્ટાગોન) માં સેનાના ઉચ્ચ અધિકારીઓના પ્રમોશનને લઈને એક મોટો અને અભૂતપૂર્વ વિવાદ સર્જાયો છે. 'ધ ન્યૂયોર્ક ટાઇમ્સ'ના તાજા અહેવાલ મુજબ, અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે સેનાના ચાર વરિષ્ઠ અધિકારીઓને 'વન-સ્ટાર જનરલ' તરીકે બઢતી આપવાની ફાઇલ રોકી દીધી છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ ચારમાંથી બે અધિકારીઓ અશ્વેત (બ્લેક) છે અને બે મહિલા અધિકારીઓ છે.
સત્તાવાર અહેવાલો અનુસાર, પીટ હેગસેથ છેલ્લા ઘણા મહિનાઓથી આર્મી સેક્રેટરી ડેનિયલ પી. ડ્રિસ્કોલ પર પ્રમોશનની યાદીમાંથી આ નામો હટાવવા દબાણ કરી રહ્યા હતા, પરંતુ ડ્રિસ્કોલે આ અધિકારીઓના દાયકાઓ લાંબા ઉત્કૃષ્ટ સેવા રેકોર્ડને ટાંકીને ઇનકાર કર્યો હતો. આખરે હેગસેથે એકતરફી નિર્ણય લઈને આ નામો યાદીમાંથી સત્તાવાર રીતે કાઢી નાખ્યા છે.
સંરક્ષણ મંત્રીના આ પગલાંને કારણે વરિષ્ઠ સૈન્ય અધિકારીઓમાં ભારે રોષ છે અને આ અધિકારીઓને તેમની જાતિ કે લિંગના આધારે નિશાન બનાવવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે. હાલમાં વ્હાઇટ હાઉસ આ સમગ્ર મામલાની સમીક્ષા કરી રહ્યું છે.
(12:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
