News of Saturday, 28th March 2026
નેપાળે વિશ્વ સમક્ષ રજૂ કર્યું 'યંગિસ્તાન'નું ઉત્તમ ઉદાહરણ: ૩૬ વર્ષના યુવા વડાપ્રધાન બાલેન શાહના નેતૃત્વમાં સૌથી યુવા કેબિનેટની રચના, મોટાભાગના મંત્રીઓ ૩૦થી ૪૦ વર્ષના
દેશના અત્યંત મહત્વપૂર્ણ ગણાતા ગૃહમંત્રી પદ પર માત્ર ૩૮ વર્ષના યુવા નેતાની નિમણૂક કરાઈ

પડોશી દેશ નેપાળે વૈશ્વિક રાજકારણમાં એક અત્યંત સકારાત્મક અને પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે. દેશમાં હવે યુવા પેઢીના હાથમાં સત્તાની બાગડોર સોંપવામાં આવી છે. નેપાળના ઇતિહાસમાં સૌથી યુવા એવા ૩૬ વર્ષીય વડાપ્રધાન બાલેન શાહના નેતૃત્વમાં એક નવી સરકારની રચના કરવામાં આવી છે, જેને 'યંગિસ્તાન' તરીકે બિરદાવવામાં આવી રહી છે. આ કેબિનેટમાં માત્ર ૫૧ વર્ષના નાણામંત્રીને બાદ કરતા મોટાભાગના તમામ મંત્રીઓ ૩૦ થી ૪૦ વર્ષની વયજૂથના છે.
નવા મંત્રીમંડળની વય પર નજર કરીએ તો, દેશના અત્યંત મહત્વપૂર્ણ ગણાતા ગૃહમંત્રી પદ પર માત્ર ૩૮ વર્ષના યુવા નેતાની નિમણૂક કરાઈ છે. આ ઉપરાંત વિદેશ મંત્રીની ઉંમર ૪૭ વર્ષ, ઉર્જા મંત્રીની ૪૪ વર્ષ અને સ્વાસ્થ્ય મંત્રીની વય પણ માત્ર ૩૮ વર્ષ છે.
સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે કાયદા મંત્રીની ઉંમર માત્ર ૩૦ વર્ષ છે, જ્યારે શિક્ષણ મંત્રી અને રમતગમત મંત્રી બંને માત્ર ૨૯ વર્ષની નાની વયના છે. નેપાળનો આ ઐતિહાસિક રાજકીય પ્રયોગ દર્શાવે છે કે યુવાનો દેશના વિકાસ અને નીતિનિર્માણમાં કેટલો મહત્વનો ભાગ ભજવી શકે છે. આ યુવા સરકારે વિશ્વભરના લોકશાહી દેશોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે.
(12:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
