<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

અમેરિકન એફબીઆઈ ડિરેક્ટર કશ પટેલના ઈમેલ હેક થતા મોટો સાયબર ખળભળાટ

ગુજરાતના વડોદરા સ્થિત એચડીએફસી બેન્ક એકાઉન્ટની અત્યંત ગોપનીય વિગતો લીક થઈ


અમેરિકાની ટોચની ગુપ્તચર અને સુરક્ષા એજન્સી એફબીઆઈના ડિરેક્ટર કશ પટેલ એક અત્યંત ચોંકાવનારા સાયબર હુમલાનો શિકાર બન્યા છે. એક ઈરાની હેકર જૂથ દ્વારા એફબીઆઈ ડિરેક્ટરના અંગત ઈમેલ રેકોર્ડ્સ હેક કરવામાં આવ્યા હોવાના દાવાથી વૈશ્વિક સુરક્ષા વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ ડેટા લીકનો છેડો સીધો ભારતના ગુજરાત રાજ્ય સાથે જોડાયેલો છે.
હેકર્સ દ્વારા ઓનલાઈન લીક કરવામાં આવેલી વિગતો અને દાવાઓ અનુસાર, કશ પટેલનું ગુજરાતના વડોદરા શહેરમાં આવેલી ગોત્રી બ્રાન્ચની એચડીએફસી બેન્કમાં બેન્ક એકાઉન્ટ હોવાનું ખુલ્યું છે. લીક થયેલા ઈમેલ એક્સચેન્જમાં જોવા મળે છે કે કશ પટેલ ગોત્રી બ્રાન્ચના કોઈ બેન્ક કર્મચારી સાથે 'એનઆરઇ' એકાઉન્ટ ખોલાવવા બાબતે સીધો પત્રવ્યવહાર કરી રહ્યા હતા.
અમેરિકાની સૌથી મોટી સુરક્ષા એજન્સીના વડાની બેન્કિંગ જેવી અંગત અને સંવેદનશીલ માહિતી આ રીતે સાયબર ગુનેગારોના હાથમાં લાગવી એ અમેરિકન સાયબર સુરક્ષા સિસ્ટમ પર મોટો સવાલ ઊભો કરે છે. હાલમાં અમેરિકન એજન્સીઓ આ લીકની ઊંડી તપાસ કરી રહી છે અને ઈરાની હેકર્સની સંડોવણીની પુષ્ટિ કરવાના પ્રયાસો ચાલુ છે.

(12:56 AM IST)