<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

આધારકાર્ડથી વોટ્‍સએપ, ફેસબુક, ઇન્‍સ્‍ટાગ્રામ લિન્‍ક થશે?

સોશિયલ મીડિયા યુઝર્સ માટે ‘કેવાયસી' ફરજિયાત કરવામાં આવેઃ સંસદીય સમિતિ

નવી દિલ્‍હી,તા.૨૮:  સંસદીય પેનલે સોશિયલ મીડિયા યુઝર્સ માટે ‘કેવાયસી' ફરજિયાત કરવાની કેન્‍દ્ર સરકારને ભલામણ કરી છે. આ સંસદીય પેનલે સોશિયલ મીડિયા એકાઉન્‍ટ સંબંધિત કેટલાક પ્રસ્‍તાવ રજૂ કર્યા છે, જેમાં જણાવવામાં આવ્‍યું છે કે, ફેક ન્‍યૂઝને રોકવા માટે નકલી સોશિયલ મીડિયા એકાઉન્‍ટ્‍સ પર પ્રતિબંધ મૂકવો અનિવાર્ય છે. આનાથી સાયબર ક્રાઈમ જેવી ઘટનાઓ પર પણ લગામ લગાવી શકાશે. જો સંસદીય સમિતિની આ ભલામણનો અમલ થશે, તો યુઝર્સે આધાર કાર્ડ અથવા અન્‍ય કોઈ સરકારી ઓળખપત્રની વિગતો આપીને જ ફેસબુક, ઇન્‍સ્‍ટાગ્રામ, વોટ્‍સએપ અને ‘એક્‍સ' જેવા પ્‍લેટફોર્મ પર એકાઉન્‍ટ બનાવી શકશે કે તેને ચલાવી શકશે.

આ ઉપરાંત, બાળકોને સોશિયલ મીડિયાની આડઅસરોથી બચાવવા માટે પણ કેટલાક પ્રસ્‍તાવો મૂકવામાં આવ્‍યા છે. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર નકલી પ્રોફાઇલ, ફ્રોડ અને સાયબર ક્રાઈમના કિસ્‍સાઓ ઝડપથી વધી રહ્યા છે. ઘણા લોકો નકલી ઓળખ ઊભી કરીને લોકોને છેતરે છે, હેરાન કરે છે અથવા ખોટી માહિતી ફેલાવે છે. આ જ કારણ છે કે સરકાર હવે આવા એકાઉન્‍ટ્‍સ પર કડકાઈ લાવવાની તૈયારી કરી રહી છે. જો ભલામણો લાગુ થશે, તો યુઝર્સે સોશિયલ મીડિયા એકાઉન્‍ટ બનાવવા અથવા તેનો ઉપયોગ કરવા માટે પોતાની અસલી ઓળખ વેરિફાઈ કરવી પડી શકે છે, બરાબર તેવી જ રીતે જે રીતે બેંક એકાઉન્‍ટ કે સિમ કાર્ડ મેળવવા માટે કેવાયસી કરવામાં આવે છે.

સરકાર હવે સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ્‍સ પર કેવાયસી આધારિત સિસ્‍ટમ લાગુ કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. આનો અર્થ એ છે કે દરેક યુઝરે પોતાની અસલી ઓળખ સાથે જોડાયેલું વેરિફિકેશન કરાવવું પડશે. ઉલ્‍લેખનીય છે કે, એક સંસદીય સમિતિના રિપોર્ટમાં આ સૂચન આપવામાં આવ્‍યું છે કે સોશિયલ મીડિયાની સાથે ગેમિગ અને ડેટિગ પ્‍લેટફોર્મ્‍સ પર પણ કેવાયસી ફરજિયાત કરવામાં આવે. જો આ ભલામણ અમલી બનશે, તો વેરિફિકેશન વગર એકાઉન્‍ટ બનાવવું કે તેનો ઉપયોગ કરવો ઘણો મુશ્‍કેલ બની જશે.

(10:11 AM IST)