<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

ડ્રાઈવિંગ લાયસન્‍સ મુદ્દત પૂરી થયાં પછી પણ ૩૦ દિવસ માન્‍ય ગણાશે

જન વિશ્વાસ બિલ, ૨૦૨૬માં મોટર વેહિકલ એક્‍ટમાં સુધારાની દરખાસ્‍ત

નવી દિલ્‍હી તા.૨૮: ડ્રાઈવિગ લાયસન્‍સના રિન્‍યુઅલ મામલે સરકારે મોટર વેહિકલ એક્‍ટમાં એક મહત્‍વનો સુધારો કરવાની દરખાસ્‍ત રજૂ કરી છે. જે મુજબ, લાયસન્‍સની મુદ્દત પૂરી થયાં પછી એટલે કે લાયસન્‍સ એક્‍સપાયર થયા પછી ૩૦ દિવસનો ગ્રેસ પીરિયડ આપવા દરખાસ્‍ત કરાઈ છે. છૂટના આ સમયગાળા દરમિયાન લાયસન્‍સ માન્‍ય ગણાશે.

આ દરખાસ્‍ત, વાણિજ્‍ય અને ઉદ્યોગ વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી જાિતિન પ્રસાદે લોકસભામાં રજૂ કરેલાં જન વિશ્વાસ (જોગવાઈઓમાં સુધારો) બિલ, ૨૦૨૬નો ભાગ છે. આ બિલમાં ૨૩ મંત્રાલયો દ્વારા સંચાલિત ૭૯ કેન્‍દ્રીય કાયદાઓમાં પણ સુધારો કરવાની દરખાસ્‍ત કરાઈ છે. બિલમાં કરાયેલી કુલ ૭૮૪ જોગવાઈઓમાં સુધારાની દરખાસ્‍ત પૈકી ૭૧૭ જોગવાઈઓને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રોત્‍સાહન આપવા માટે બિન-ગુનાઈત કરવા અંગે તથા ૬૭ જોગવાઈઓ જીવન જીવવાની સરળતા વધારવાના સુધારાને લગતી છે.

વાણિજ્‍ય અને ઉદ્યોગ મંત્રાલયના પ્રવક્‍તાના જણાવ્‍યા અનુસાર, મોટર વ્‍હીકલ એક્‍ટ હેઠળ સૂચવવામાં આવેલાં ૨૦ સુધારાનો ઉદ્દેશ્‍ય મોટર વ્‍હીકલ કાયદા હેઠળના કેટલાક નિયમોમાં છૂટછાટ આપવાનો અને કાયદાકીય અસ્‍પષ્ટતાઓ દૂર કરવાનો છે.

આ પ્રસ્‍તાવિત સુધારાઓમાં ચોક્કસ અધિકારક્ષેત્રને બદલે સમગ્ર રાજ્‍યમાં વાહન નોંધણીની મંજૂરી આપવી, અને જો લાયસન્‍સની મુદત પૂરી થયા પછી અરજી કરવામાં આવે, તો તેને તેની સમાપ્તિની તારીખથી નહીં પરંતુ તેના રિન્‍યુઅલની તારીખથી પ્રભાવી ગણવાની મંજૂરી આપવાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત આ બિલમાં વાહનોની નોંધણી રદ કરવાની જાણકારી આપવાની સમય મર્યાદા અને વીમા પ્રમાણપત્રના ટ્રાન્‍સફરના સંદર્ભમાં વીમા કંપનીને જાણ કરવાની મુદત ૧૪ દિવસથી વધારીને ૩૦ દિવસ કરવાની પણ દરખાસ્‍ત કરાઈ છે.

(10:17 AM IST)