<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

લડાઈ લાંબા સમય સુધી રહી તો ક્રૂડ ઓઈલ ૨૦૦ ડોલર થશે

હોર્મુઝ રૂટ લાંબા સમય સુધી બંધ રહ્યો તો વૈશ્વિક સપ્‍લાય પર ગંભીર અસર પડશે

નવી દિલ્‍હી તા.૨૮: મિડલ ઈસ્‍ટમાં તણાવગ્રસ્‍ત માહોલ હવે સંવેદનશીલ બની રહ્યો છે. ઈરાન ઈઝરાયલ અને અમેરિકા વચ્‍ચે ચાલી રહેલી લડાઈને કારણે ફયુલ માર્કેટને માઠી અસર થઈ છે. આ માહોલ વચ્‍ચે હવે તેલ કંપનીઓની ગંભીર ચેતવણ સામે આવી રહી છે. મેક્‍વેરી ગ્રુપના વિશ્‍લેષકોનું કહેવું છે કે, ગંભીર પરિસ્‍થિતિને સામાન્‍ય ગણવામાં આવી રહી છે. આ યુદ્ધના કારણે સ્‍થિતિ જો સુધરશે નહીં તો ક્રૂડ ઓઈલ ૧૫૦ ડોલર નહીં ૨૦૦ ડોલર પ્રતિ બેરલ સુધી જઈ શકે છે.

તા.૨૭ માર્ચના રિપોર્ટમાં એવું કહેવામાં આવ્‍યું હતું કે, હોર્મુઝ રૂટ લાંબા સમય સુધી બંધ રહ્યો તો વૈશ્વિક સપ્‍લાય પર ગંભીર અસર પડશે. માગની સાપેક્ષમાં પ્રાપ્‍યતા એકાએક ઘટી જશે તો મુશ્‍કેલીઓ ઊભી થઈ શકે છે. ક્રૂડ ઓઈલની કિમતમાં ઐતિહાસિક ઉછાળો આવી શકે છે. આગળ શું થશે એના પર હવેની સ્‍થિતિનો ક્‍યાસ કાઢી શકાય છે. હોર્મુઝ લાંબા ગાળા સુધી બંધ રહેશે તો એનર્જી ઈન્‍ફ્રા.ને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સપ્‍લાય ચેઈન ઝડપી સામાન્‍ય થાય એવું દરેક દેશ ઈચ્‍છે છે પણ સામાન્‍ય થવામાં ઘણો લાંબો વખત વીતી જશે. યુદ્ધની આ સ્‍થિતિ લાંબા સમય સુધી રહી તો ક્રૂડ ઓઈલની કિમતમાં  નોંધપાત્ર વધારો થઈ શકે છે. વર્ષ ૨૦૦૮માં ક્રૂડ ઓઈલની કિમત ૧૪૬ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી હતી.

હોર્મુઝમાંથી દુનિયાના ૨૦ ટકા જહાજની અવરજવર છે. આ જળમાર્ગ બંધ થતા હવે સમગ્ર દુનિયાની અર્થવ્‍યવસ્‍થા પર માઠી અસર થવાની છે. ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્‍ચે ચાલી રહેલા યુદ્ધને ચાર અઠવાડિયાનો સમય થયો છે. ટ્રમ્‍પે ભલે એવું કહ્યું કે, હુમલા બંધ કરી દેવામાં આવશે પણ યુદ્ધ અટકે એવું ટૂંકા ગાળામાં ક્‍યાંય વર્તાય એવું નથી. દુનિયાને માત્ર કાચા તેલનો જ નહીં પણ એક મોટા આર્થિક ફટકાનો સામનો કરવો પડી શકે છે. ક્રૂડ ઓઈલના જહાજ હોર્મુઝ પાસે અટવાતા અનેક રાષ્ટ્રમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. બીજી તરફ રશિયાએ ક્રૂડ વેચવાનું શરૂ કરતા રશિયા પરની નિર્ભરતા વધી છે. આવા સમયમાં યુદ્ધ લાંબું ચાલ્‍યું તો ગેસ અને પેટ્રોલના મામલે પરિસ્‍થિતિ બગડવાના એંધાણ છે.

(10:17 AM IST)