<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

નેતાજી સુભાષચંદ્ર બોઝના પૌત્ર ચંદ્રકુમાર બોઝે ભાજપ સાથે છેડો ફાડયો! : ભાજપમાં જોડાવવાના નિર્ણયને 'ઐતિહાસિક ભૂલ' ગણાવી મચાવ્યો રાજકીય હડકંપ

માત્ર ચૂંટણી જીતવા માટે મતદારોનું ધ્રુવીકરણ અને વિભાજન કરવું એ પક્ષનો એકમાત્ર ઉદ્દેશ્ય હોવાનો લગાવ્યો ગંભીર આરોપ : ૨૦૧૬માં કેસરિયો ધારણ કરનાર બોઝે કોમવાદ સામે લડવા સમાન વિચારધારા ધરાવતા પક્ષોને એક થવા કરી હાકલ

કોલકાતા: આઝાદીના લડવૈયા નેતાજી સુભાષચંદ્ર બોઝના પૌત્ર ચંદ્રકુમાર બોઝે ભારતીય જનતા પાર્ટી (BJP) સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા છે એવું લાગી રહ્યું છે. તેમણે ભાજપમાં જોડાવવાના પોતાના નિર્ણયને 'ઐતિહાસિક ભૂલ' ગણાવીને રાજકીય આલમમાં ભારે ગરમાવો લાવી દીધો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વિસ્ફોટક પોસ્ટ દ્વારા તેમણે પક્ષની કાર્યશૈલી અને વિચારધારા પર આકરા પ્રહારો કર્યા છે.

ધ્રુવીકરણ અને વિભાજનના રાજકારણનો વિરોધ:
ચંદ્રકુમાર બોઝે પોતાની પોસ્ટમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ભાજપમાં જોડાવું એ તેમના જીવનની એક મોટી ભૂલ હતી, જેનો અહેસાસ તેમને વહેલો મોડો થઈ ગયો છે. તેમણે પક્ષ પર આરોપ લગાવતા કહ્યું કે, માત્ર ચૂંટણી જીતવા ખાતર મતદારોનું વિભાજન કરવું અને ધ્રુવીકરણ કરવું એ જ પક્ષનો મુખ્ય ઈરાદો છે, જે તેમની વિચારધારા સાથે સુસંગત નથી. તેમણે ઉમેર્યું કે, "કોમવાદ સામે કોમવાદ દ્વારા લડી શકાય નહીં."

દેશની અખંડિતતા બચાવવા માટે એકતાની અપીલ:
વર્ષ ૨૦૧૬માં ભાજપમાં જોડાયેલા ચંદ્રકુમાર બોઝે હવે દેશની સામાજિક એકતા અને લોકશાહીના માળખાને બચાવવા માટે તમામ સમુદાયોને એક થવા હાકલ કરી છે. તેમણે જણાવ્યું કે દેશને બરબાદ કરવા પર ઉતરેલી વિભાજનકારી શક્તિઓને હરાવવા માટે સમાન વિચારધારા ધરાવતા પક્ષો, સામાજિક કાર્યકરો અને જનતાએ સાથે આવવું પડશે. 'જય હિંદ' ના નારા સાથે તેમણે પક્ષના એજન્ડા સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

ભાજપ માટે પશ્ચિમ બંગાળમાં મોટો આંચકો:
ચંદ્રકુમાર બોઝના આ આડકતરા રાજીનામા અને આકરા નિવેદનોને કારણે પશ્ચિમ બંગાળમાં ભાજપ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. ખાસ કરીને નેતાજીના પરિવારના સભ્ય દ્વારા લગાવવામાં આવેલા કોમવાદ અને વિભાજનના આરોપો આગામી દિવસોમાં રાજકીય ચર્ચાનું કેન્દ્ર બનશે. બોઝે સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે એવી શક્તિઓ સામે લડશે જે દેશની શાંતિ અને સદભાવનાને નુકસાન પહોંચાડી રહી છે.

(1:31 PM IST)