<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

મૃતદેહનો ઉપયોગ વિરોધ પ્રદર્શન માટે ન કરી શકાય : દલિત યુવકના કસ્ટોડિયલ ડેથ મામલે મદ્રાસ હાઈકોર્ટની લાલ આંખ

સન્માનજનક અંતિમ સંસ્કાર એ અનુચ્છેદ ૨૧ હેઠળ મૂળભૂત અધિકાર હોવાનું કોર્ટનું અવલોકન : અંગત પ્રસિદ્ધિ માટે કરેલી જનહિત અરજીને ફગાવી દેતી હાઈકોર્ટની મદુરાઈ બેંચ

ચેન્નાઈ: મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેંચ દ્વારા એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા જણાવવામાં આવ્યું છે કે કોઈપણ મૃત વ્યક્તિના દેહનો ઉપયોગ વિરોધ પ્રદર્શનના સાધન તરીકે કરી શકાય નહીં. શિવાગંગાઈ જિલ્લાના એક અનુસૂચિત જાતિના યુવકના કથિત કસ્ટોડિયલ ડેથના મામલે દાખલ કરવામાં આવેલી જનહિત અરજીને ફગાવી દેતા જસ્ટિસ એન સતીશ કુમાર અને જસ્ટિસ એમ જોથિરામનની બેંચે આ ટિપ્પણી કરી હતી. કોર્ટે યુવકના અંતિમ સંસ્કારમાં થઈ રહેલા વિલંબ અંગે ઊંડી વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મૃતદેહને સન્માનજનક દફનવિધિ કે અંતિમ સંસ્કાર મળવા એ ભારતીય બંધારણની કલમ ૨૧ હેઠળ મૂળભૂત અધિકારનો ભાગ છે.

શું હતો સમગ્ર મામલો?
મદુરાઈ જિલ્લાના દેવેન્દ્રકુલા વેલાર ઉર્વિનાર સંગમના પ્રમુખ સી સેલ્વકુમાર દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી ૨૬ વર્ષીય આકાશ નામના યુવકના મૃત્યુના સંદર્ભમાં હતી, જેનું ન્યાયિક કસ્ટડીમાં કથિત ટોર્ચરને કારણે મૃત્યુ થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. અરજદારે માંગ કરી હતી કે જવાબદાર પોલીસ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવે અને સ્થાનિક અધિકારીઓની બદલી કરીને તપાસ સીબી-સીઆઈડી (CB-CID) ને સોંપવામાં આવે. જોકે, તપાસ પહેલાથી જ સીબી-સીઆઈડીને સોંપી દેવામાં આવી હોવાની અને હાઈકોર્ટના સિંગલ જજ દ્વારા તેનું સતત મોનિટરિંગ થતું હોવાની વિગતો કોર્ટ સમક્ષ આવી હતી.

કોર્ટની કડક ટિપ્પણી અને અવલોકન:
અદાલતે નોંધ્યું હતું કે અરજદારે ૨૨ માર્ચ ૨૦૨૬ના રોજ રાત્રે ૧૧:૨૭ કલાકે ઈમેલ દ્વારા રજૂઆત કરી હતી અને બીજા જ દિવસે હાઈકોર્ટમાં અરજી કરી દીધી હતી. આવી ઉતાવળ સૂચવે છે કે આ અરજી કોઈ વાસ્તવિક હેતુ માટે નહીં પરંતુ માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે કરવામાં આવી છે. કોર્ટે આ અરજીને "પબ્લિસિટી ઇન્ટરેસ્ટ લિટિગેશન" ગણાવી હતી. અંતિમ સંસ્કાર ન થઈ શકવા અંગે કોર્ટે સ્પષ્ટ કર્યું કે રાજ્ય સરકાર કે વહીવટી તંત્ર દ્વારા કોઈ રોક લગાવાઈ નથી, પરંતુ સતત ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને કારણે પરિવારજનો વિધિ કરી શક્યા નથી.

ન્યાયિક પ્રક્રિયા અને તપાસ:
સરકાર પક્ષે કોર્ટને જાણ કરવામાં આવી હતી કે આ કેસમાં એસસી/એસટી એક્ટની કલમો હેઠળ એફઆઈઆર (FIR) દાખલ થઈ ચૂકી છે અને ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ કક્ષાના અધિકારી તપાસનું નિરીક્ષણ કરી રહ્યા છે. જ્યારે સિંગલ જજની બેંચ દ્વારા આ મામલે પહેલેથી જ વિવિધ નિર્દેશો આપવામાં આવ્યા હોય, ત્યારે સમાંતર જનહિત અરજી ચલાવવાનું કોઈ કારણ જણાતું નથી તેમ કહીને બેંચે આ અરજીને ગુણદોષ વગરની ગણાવી રદ કરી હતી. આ કેસમાં ચૂંટણી પંચ, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અને માનવ અધિકાર આયોગના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

(3:11 PM IST)