News of Saturday, 28th March 2026
કોલકાતામાં અમિતભાઈ શાહનો મમતા બેનર્જી સરકાર પર આકરો પ્રહાર : તૃણમૂલ કોંગ્રેસ વિરુદ્ધ ૧૪ ગંભીર આરોપોની ચાર્જશીટ જાહેર
૧૫ વર્ષના શાસનમાં પશ્ચિમ બંગાળ 'ઔદ્યોગિક કબ્રસ્તાન' બન્યું હોવાનું કેન્દ્રીય ગૃહ મંત્રીનું નિવેદન : તુષ્ટિકરણ, સિન્ડિકેટ રાજ અને ભ્રષ્ટાચારની રાજનીતિનો અંત લાવવા જનતાને આહવાન

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે કોલકાતામાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસ સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. અમિતભાઈ શાહે મમતા સરકારના છેલ્લા ૧૫ વર્ષના શાસનકાળ દરમિયાન થયેલા કથિત ૧૪ ગંભીર અન્યાયો અને ભ્રષ્ટાચારના મુદ્દાઓને આવરી લેતી એક વિસ્તૃત ચાર્જશીટ જાહેર કરી હતી. આ પ્રસંગે તેમણે તીખા પ્રહારો કરતા જણાવ્યું હતું કે આ ચાર્જશીટ કોઈ રાજકીય પક્ષની નથી, પરંતુ બંગાળની જનતાના પાયાના મુદ્દાઓની ચાર્જશીટ છે.
ભય મુક્ત બંગાળ અને સુરક્ષાનો મુદ્દો:
અમિતભાઈ શાહે પોતાના સંબોધનમાં આગામી ચૂંટણીને 'ભય વિરુદ્ધ ભરોસા'નો જંગ ગણાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે છેલ્લા દોઢ દાયકાથી રાજ્યમાં ભય, ભ્રષ્ટાચાર અને ભેદભાવની રાજનીતિ હાવી રહી છે. પશ્ચિમ બંગાળની સુરક્ષાને સમગ્ર દેશની સુરક્ષા સાથે જોડતા તેમણે દાવો કર્યો હતો કે દેશમાં ઘૂસણખોરીનો રસ્તો આ રાજ્યમાંથી જ ખુલે છે, જેને રોકવો રાષ્ટ્રીય સુરક્ષા માટે અનિવાર્ય છે. તેમણે જનતાને પ્રશ્ન કર્યો હતો કે તેઓ ભયના શાસનને પસંદ કરશે કે વિકાસના ભરોસાને?
મમતા બેનર્જીના 'વિક્ટિમ કાર્ડ' પર કટાક્ષ:
મુખ્યમંત્રી મમતા બેનર્જી પર સીધો હુમલો કરતા અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે તેઓ હંમેશા 'વિક્ટિમ કાર્ડ' રમીને સત્તા ટકાવી રાખવાનો પ્રયાસ કરે છે. અમિતભાઈ શાહે તંજ કસતા કહ્યું હતું કે ક્યારેક શારીરિક ઈજા, ક્યારેક બીમારી તો ક્યારેક ચૂંટણી પંચ સામે લાચારી બતાવીને સહાનુભૂતિ મેળવવાની કોશિશ કરવામાં આવે છે, પરંતુ હવે બંગાળની જનતા આ પ્રકારની રાજનીતિને બરાબર સમજી ગઈ છે અને તે હવે છેતરાશે નહીં.
આર્થિક અધોગતિ અને સિન્ડિકેટ રાજ:
રાજ્યની આર્થિક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા ગૃહ મંત્રીએ આક્ષેપ કર્યો હતો કે મમતા સરકારના શાસનમાં બંગાળ એક 'ઔદ્યોગિક કબ્રસ્તાન'માં ફેરવાઈ ગયું છે. ઉદ્યોગો બંધ થઈ રહ્યા છે અને તેની જગ્યાએ તુષ્ટિકરણની રાજનીતિ, સિન્ડિકેટ રાજ અને કટ-મની (કમિશન) પ્રથાએ ઘર કરી લીધું છે. ભારતીય જનતા પાર્ટીની વ્યૂહરચના અંગે વાત કરતા અમિતભાઈ શાહે ઉમેર્યું હતું કે પાર્ટીના કાર્યકર્તાઓ સતત જનતાની વચ્ચે જઈને રાજ્યની વાસ્તવિક સ્થિતિ ખુલ્લી પાડી રહ્યા છે અને બંગાળમાં ભાજપને મળી રહેલો જનસમર્થન પરિવર્તનના સ્પષ્ટ સંકેત આપી રહ્યો છે.
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
