News of Saturday, 28th March 2026
હોર્મુઝમાંથી વધુ ૨ તેલ જહાજોની ભારતમાં સુરક્ષિત એન્ટ્રી
યુદ્ધના સંકટ વચ્ચે રાહતના સમાચારઃ નૌકાદળનું અભેદ્ય સુરક્ષા કવચ

નવી દિલ્હી, તા.૨૮: મધ્ય-પૂર્વમાં જ્યારે યુદ્ધના નગારા વાગી રહ્યા છે અને હોર્મુઝ જેવા સંવેદનશીલ દરિયાઈ માર્ગો પર મોતનું જોખમ તોળાઈ રહ્યું છે, ત્યારે ભારત માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. પેટ્રોલિયમ પેદાશોથી ભરેલા વધુ બે મહાકાય વેપારી જહાજો આ ખતરનાક ગણાતા માર્ગ પરથી સફળતાપૂર્વક પસાર થઈ રહ્યા છે અને ટૂંક સમયમાં ભારતીય બંદરો પર લંગર નાખશે. ઈરાન સાથેના સંઘર્ષને કારણે જ્યાં વૈશ્વિક શિપિંગ કંપનીઓ આ માર્ગે જવાના નામથી થથરી રહી છે, ત્યાં ભારતીય ધ્વજ ધરાવતા જહાજો ભારતીય નૌકાદળની સીધી દેખરેખ હેઠળ ગર્વભેર આગળ વધી રહ્યા છે, જે ભારતની આંતરરાષ્ટ્રીય રણનીતિક તાકાતનો પરચો આપે છે.
ભારતીય નૌકાદળ હાલમાં પર્સિયન ગલ્ફમાં સંપૂર્ણ સતર્કતા પર છે. ગલ્ફ ક્ષેત્રમાં તૈનાત ભારતના અત્યાધુનિક યુદ્ધ જહાજો આ તેલ જહાજોને સતત સુરક્ષા કવચ પૂરું પાડી રહ્યા છે. શિપિંગ મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ કુમાર સિંહાના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં પર્સિયન ગલ્ફમાં કાર્યરત ૨૦ ભારતીય જહાજો અને તેમાં સવાર ૫૪૦ ભારતીય ખલાસીઓ સંપૂર્ણ સુરક્ષિત છે. સરકારનું ૨૪હૃ૭ કાર્યરત કમ્યુનિકેશન સેન્ટર સતત ઈમેઈલ અને કોલ્સ દ્વારા આ જહાજોના પળેપળના લોકેશન પર નજર રાખી રહ્યું છે, જેથી કોઈપણ આકસ્મિક હુમલા કે ખતરાને હવામાં જ નેસ્તનાબૂદ કરી શકાય.
આ સફળતા માત્ર તેલના પુરવઠા પૂરતી સીમિત નથી, પરંતુ તે ભારતના ઉર્જા સુરક્ષાના મજબૂત ઈરાદાઓને પણ દર્શાવે છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારત તેના આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે સતત સંપર્કમાં છે જેથી આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પર નેવિગેશન કયારેય ખોરવાય નહીં. તાજેતરમાં LPG ભરેલા ચાર જહાજોના સફળ લેન્ડિંગ બાદ, હવે વધુ તેલ જહાજોનું આગમન દેશમાં ઇંધણ સંકટની આશંકાઓને દૂર કરી રહ્યું છે. યુદ્ધની આગ વચ્ચે પણ ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો માટે આત્મવિશ્વાસ સાથે જે રીતે માર્ગ કરી રહ્યું છે, તે વિશ્વ માટે એક મજબૂત ઉદાહરણ પૂરું પાડે છે.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
