<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

મુક્‍ત કરીશ અથવા કબજો કરીશઃ વેનેઝુએલા- ઈરાન બાદ હવે ક્‍યુબાનો વારો?

વૈશ્વિક રાજકારણમાં ડોનાલ્‍ડ ટ્રમ્‍પ એક પછી એક નવા મોરચા ખોલી રહ્યા છે : આગામી લક્ષ્ય ક્‍યુબા છે, અને તેઓ આ ટાપુ રાષ્ટ્રને વર્તમાન શાસનમાંથી મુક્‍ત કરવા માંગે છે

વોશિંગ્‍ટન,તા.૨૮: વૈશ્વિક રાજકારણમાં ડોનાલ્‍ડ ટ્રમ્‍પ એક પછી એક નવા મોરચા ખોલી રહ્યા છે. વેનેઝુએલામાં સત્તા પરિવર્તન અને ઈરાન સામેના કડક વલણ બાદ, હવે અમેરિકી રાષ્ટ્રપતિએ ક્‍યુબા તરફ પોતાની નજર દોડાવી છે. મિયામીમાં એક કાર્યક્રમ દરમિયાન ટ્રમ્‍પે સ્‍પષ્ટ સંકેત આપ્‍યો કે તેમનું આગામી લક્ષ્ય ક્‍યુબા છે, અને તેઓ આ ટાપુ રાષ્ટ્રને વર્તમાન શાસનમાંથી મુક્‍ત કરવા માંગે છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્‍પે ક્‍યુબાની સ્‍થિતિ પર ટિપ્‍પણી કરતા જણાવ્‍યું હતું કે, મેં એક વિશાળ સૈન્‍ય  બનાવી છે. જોકે મેં હંમેશા કહ્યું છે કે તેનો ઉપયોગ કરવાની જરૂર ન પડવી જોઈએ, પરંતુ ક્‍યારેક તે અનિવાર્ય બની જાય છે. તેમણે ક્‍યુબા વિશે વાત કરતા ઉમેર્યું કે તેઓ આ દેશને 'મુક્‍ત' કરાવવા માંગે છે અથવા તો ત્‍યાં 'મૈત્રીપૂર્ણ કબજો' કરવાની ક્ષમતા ધરાવે છે. આ નિવેદને કેરેબિયન ક્ષેત્રમાં હલચલ મચાવી દીધી છે.

વેનેઝુએલામાં નિકોલસ માદુરોએ સત્તા ગુમાવ્‍યા બાદ ક્‍યુબાની હાલત કફોડી બની છે. વેનેઝુએલા ક્‍યુબાનો મુખ્‍ય તેલ સપ્‍લાયર દેશ હતો. સપ્‍લાય બંધ થવાને કારણે ક્‍યુબામાં અત્‍યારે અંધારપટ જેવી સ્‍થિતિ છે અને વીજળી તેમજ આવશ્‍યક ચીજવસ્‍તુઓની ભારે અછત સર્જાઈ છે. ટ્રમ્‍પ વહીવટીતંત્રના દબાણને કારણે ક્‍યુબાની અર્થવ્‍યવસ્‍થા અત્‍યારે પતનની આરે હોવાનું મનાય છે.

ન્‍યૂ યોર્ક ટાઇમ્‍સના અહેવાલ મુજબ, પડદા પાછળ રાજદ્વારી હિલચાલ પણ ચાલી રહી છે. અમેરિકી અધિકારીઓ અને ક્‍યુબાના નેતૃત્‍વ વચ્‍ચે સતત વાટાઘાટો ચાલુ છે. વોશિંગ્‍ટનનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય ક્‍યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલને પદ પરથી હટાવવાનો છે. ડિયાઝ-કેનેલે પણ પુષ્ટિ કરી છે કે તેઓ સીધા સૈન્‍ય સંઘર્ષને ટાળવા માટે વાતચીત કરી રહ્યા છે.

ટ્રમ્‍પના કડક શબ્‍દો છતાં, નિષ્‍ણાતો માને છે કે અમેરિકા પહેલા રાજકીય અને આર્થિક દબાણ દ્વારા સત્તા પલટો કરવાનો પ્રયાસ કરશે. જોકે, ટ્રમ્‍પે જે રીતે પોતાની સૈન્‍ય તાકાતનો ઉલ્‍લેખ કર્યો છે, તે જોતા ભવિષ્‍યમાં લશ્‍કરી હસ્‍તક્ષેપની શક્‍યતાને નકારી શકાય તેમ નથી.

(3:37 PM IST)