<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

નાથદ્વારામાં ૫૦૦ ફૂટ ઊંચા પર્વત પર હનુમાનજીની ૧૩૧ ફુટ ઊંચી ગોલ્‍ડન મૂર્તિનું અનાવરણ

હનુમાનજીની મૂર્તિ પર ગોલ્‍ડન રંગ કરવામાં આવ્‍યો છે જે થાઇલેન્‍ડમાં જોવા મળતી મૂર્તિઓ જેવો છે : આ પ્રતિમા સંકટ મોચન હનુમાનજીની વિનમ્ર મુદ્રામાં છે જે શ્રીનાથજીના મંદિર તરફ મુખ કરીને ઊભેલા છે

 

નાથદ્વારા તા.૨૮: રાજસ્‍થાનના શ્રીનાથજીના ધામ નાથદ્વારામાં રામનવમીના પર્વ પર હનુમાનજીની ૧૩૧ ફુટ ઊંચી ભવ્‍ય ગોલ્‍ડન પ્રતિમાનું ઉદ્ધાટન થયું હતું. નાથદ્વારામાં આવેલા ૫૦૦ ફુટ ઊંચા ગિરિરાજ પર્વત પર આ મૂર્તિનું અનાવરણ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના રાકેશજી અને ગોસ્‍વામી વિશાલબાબા દ્વારા કરવામાં આવ્‍યું હતું. ૧૩૧ ફુટની મૂર્તિ બનાવવાનું કામ મૂર્તિકાર નરેશ કુમાવતે કર્યું હતું અને એ માટે તેમને ત્રણ વર્ષ લાગ્‍યાં હતાં. આ પ્રતિમા સંકટ મોચન હનુમાનજીની વિનમ્ર મુદ્રામાં છે જે શ્રીનાથજીના મંદિર તરફ મુખ કરીને ઊભેલા છે. આ પ્રતિમાને શ્રીજી કે હનુમાનજી નામ અપાયું છે અને એ નાથદ્વારામાં પ્રવેશતાં જ જોવા મળે એટલી ઊંચી છે.

હનુમાનજીની મૂર્તિ પર ગોલ્‍ડન રંગ કરવામાં આવ્‍યો છે જે થાઇલેન્‍ડમાં જોવા મળતી મૂર્તિઓ જેવો છે. આ રંગ પણ ખાસ થાઇલેન્‍ડથી મગાવવામાં આવ્‍યો હતો. એની ખાસિયત એ છે કે તડકો હોય કે વરસાદ, આ રંગ ૪૦થી ૫૦ વર્ષ સુધી મૂર્તિ પર આવો જ ચમકશે.એમાં ૧૧૫ ટન સ્‍ટીલ અને ૪૦ ટન ગ્‍લાસ રીઇન્‍ફોર્સ્‍ડ ફાઇબરનો ઉપયોગ થયો છે. આ મૂર્તિ ઉપરથી જેટલી મજબૂત છે એટલો જ ઊંડો એનો પાયો છે. આ મૂર્તિનું નિર્માણ ગિરીશ શાહ નામના ભક્‍તે કરાવ્‍યું છે. આ મૂર્તિનાં દર્શન માટે કોઈ ચાર્જ નથી.

(3:37 PM IST)