News of Saturday, 28th March 2026
કેન્દ્ર સરકાર દ્વારા પીએમ ઈ-ડ્રાઈવ યોજનામાં મોટો ફેરફાર : ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર માટે નવી સમયમર્યાદા જાહેર
ઈ-સ્કૂટર માટે ૩૧ જુલાઈ ૨૦૨૬ અને ઈ-રિક્ષા માટે ૩૧ માર્ચ ૨૦૨૮ સુધી સબસિડીનો લાભ મળશે : ૧૦,૯૦૦ કરોડના બજેટવાળી યોજનામાં વાહનોની સંખ્યા અને કિંમત પર મર્યાદા નક્કી કરાઈ

નવી દિલ્હી: ભારત સરકારના ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા પીએમ ઇલેક્ટ્રિક ડ્રાઇવ રિવોલ્યુશન ઇન ઇનોવેટિવ વ્હિકલ એન્હાન્સમેન્ટ (PM E-DRIVE) યોજનામાં મહત્વપૂર્ણ સુધારા જાહેર કરવામાં આવ્યા છે. ૧૦,૯૦૦ કરોડ રૂપિયાના કુલ બજેટ ધરાવતી આ યોજના હેઠળ હવે ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર (ઈ-રિક્ષા અને ઈ-કાર્ટ) માટે નવી ડેડલાઈન અને યુનિટ કેપ નક્કી કરવામાં આવી છે. નવી માર્ગદર્શિકા મુજબ, ૩૧ જુલાઈ ૨૦૨૬ સુધી નોંધાયેલા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ અને ૩૧ માર્ચ ૨૦૨૮ સુધી નોંધાયેલા ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર્સ જ પ્રોત્સાહન અથવા સબસિડી મેળવવા માટે પાત્ર ગણાશે.
કિંમત અને વાહનોની સંખ્યા પર મર્યાદા:
સરકારે સબસિડીનો લાભ મેળવવા માટે વાહનોની મહત્તમ એક્સ-ફેક્ટરી કિંમત પણ નિર્ધારિત કરી છે. ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર માટે આ મર્યાદા ૧.૫ લાખ રૂપિયા અને ઈલેક્ટ્રિક થ્રી-વ્હીલર (ઈ-રિક્ષા અને ઈ-કાર્ટ) માટે ૨.૫ લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ ઉપરાંત, યોજના હેઠળ સબસિડી મેળવનાર વાહનોની કુલ સંખ્યા પણ મર્યાદિત કરવામાં આવી છે. જેમાં ૨૪,૭૯,૧૨૦ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર અને ૩૯,૦૩૪ ઈ-રિક્ષા તેમજ ઈ-કાર્ટને સહાય પૂરી પાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઈલેક્ટ્રિક થ્રી-વ્હીલર (L5 શ્રેણી) માટેનો નિર્ધારિત લક્ષ્યાંક પ્રાપ્ત થઈ ગયો હોવાથી આ સેગમેન્ટ ૨૬ ડિસેમ્બર ૨૦૨૫થી બંધ કરી દેવામાં આવ્યું છે.
બજેટ પૂરો થતા યોજના બંધ થશે:
મંત્રાલયે સ્પષ્ટ સૂચના આપી છે કે પીએમ ઈ-ડ્રાઈવ એક ફંડ-લિમિટેડ યોજના છે. જો યોજના માટે ફાળવવામાં આવેલ ૧૦,૯૦૦ કરોડ રૂપિયાનું ભંડોળ નિર્ધારિત અંતિમ તારીખ એટલે કે ૩૧ માર્ચ ૨૦૨૮ પહેલા પૂર્ણ થઈ જશે, તો યોજના તુરંત જ બંધ કરી દેવામાં આવશે અને ત્યારબાદ કોઈપણ નવા ક્લેમ સ્વીકારવામાં આવશે નહીં. એટલે કે, સમયમર્યાદા અથવા ફંડ, બેમાંથી જે વહેલું હશે તે મુજબ યોજનાનો અમલ થશે.
અંતિમ તારીખનું મહત્વ:
યોજના હેઠળ 'ટર્મિનલ ડેટ' અથવા અંતિમ તારીખ એટલે એવી કટ-ઓફ ડેટ કે જેના સુધીમાં કોઈ પણ લાભાર્થીએ યોજનાના ફાયદા મેળવવા માટે નોંધણી કરાવવી અથવા ચોક્કસ પ્રક્રિયા પૂર્ણ કરવી અનિવાર્ય છે. ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર માટે ૩૧ જુલાઈ ૨૦૨૬ અને અન્ય પાત્ર વાહનો માટે ૩૧ માર્ચ ૨૦૨૮ એ ફાઈનલ ડેડલાઈન રહેશે. સરકારનો ઉદ્દેશ્ય દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના વપરાશને વેગ આપવાનો અને પ્રદૂષણમાં ઘટાડો કરવાનો છે, જેના ભાગરૂપે આ પ્રોત્સાહક યોજના અમલમાં મૂકવામાં આવી છે.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
