<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

વૈશ્વિક તેલ બજારમાં રશિયાનો મોટો ધડાકો : ૧ એપ્રિલથી આગામી ચાર મહિના સુધી પેટ્રોલની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો નિર્ણય

ઈઝરાયેલ-ઈરાન યુદ્ધના કારણે સર્જાયેલી અસ્થિરતા વચ્ચે પુતિન સરકારનું આકરૂં પગલું : ચીન, બ્રાઝિલ અને તુર્કિયે જેવા દેશો પર સંકટના વાદળો : ભારત પર સીધી અસર નહિવત હોવાનો નિષ્ણાતોનો મત

મોસ્કો: વૈશ્વિક ઉર્જા બજારમાં મોટું પરિવર્તન લાવતા રશિયાએ ૧ એપ્રિલથી ૩૧ જુલાઈ ૨૦૨૬ સુધી પેટ્રોલની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની સત્તાવાર જાહેરાત કરી છે. રશિયાના ઉપ-પ્રધાનમંત્રી અલેક્ઝાન્ડર નોવાકે ઉર્જા મંત્રાલયને આ અંગેનો પ્રસ્તાવ તૈયાર કરવા આદેશ આપ્યો છે. રશિયાના જણાવ્યા અનુસાર, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે, જેના કારણે સ્થાનિક બજારમાં સપ્લાય જાળવી રાખવા અને ઈંધણના ભાવ પર અંકુશ મેળવવા માટે આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે. રશિયા દરરોજ અંદાજે ૧.૨ થી ૧.૭ લાખ બેરલ પેટ્રોલની નિકાસ કરે છે, જે હવે અટકી જતાં વૈશ્વિક પુરવઠા શૃંખલા પ્રભાવિત થશે.

વૈશ્વિક દેશો પર અસર અને ભારતની સ્થિતિ:
રશિયાના આ નિર્ણયની સૌથી વધુ અસર ચીન, બ્રાઝિલ, તુર્કિયે, આફ્રિકન દેશો અને સિંગાપોર પર પડશે, જેઓ રશિયન પેટ્રોલિયમ ઉત્પાદનોના મોટા ખરીદદાર છે. જોકે, ભારત પર તેની સીધી અસર ઓછી થવાની શક્યતા છે કારણ કે ભારત રશિયા પાસેથી સીધું પેટ્રોલ નહીં પણ 'ક્રૂડ ઓઈલ' (કાચું તેલ) ખરીદે છે. ભારત પોતાની જરૂરિયાતનું ૮૦% ક્રૂડ ઓઈલ આયાત કરે છે, જેમાંથી ૨૦% રશિયા પૂરું પાડે છે. ભારત પાસે વિશાળ રિફાઇનરી નેટવર્ક હોવાથી તે કાચા તેલને પ્રોસેસ કરીને પોતે જ પેટ્રોલ-ડીઝલ બનાવે છે. નિષ્ણાતોના મતે, જો વૈશ્વિક સ્તરે પેટ્રોલની અછત સર્જાય તો કાચા તેલના ભાવમાં ઉછાળો આવી શકે છે, જે હાલમાં જ ૧૦૦ ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયા છે.

પ્રીમિયમ ભાવે રશિયન તેલની ખરીદી:
યુદ્ધની પરિસ્થિતિને કારણે તેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. જે રશિયન તેલ અગાઉ ભારતને ડિસ્કાઉન્ટ ભાવે મળતું હતું, તે હવે બ્રેન્ટ ક્રૂડના ભાવ કરતાં ૧૫ ડોલર પ્રતિ બેરલ સુધીના મોંઘા 'પ્રીમિયમ' ભાવે મળી રહ્યું છે. સપ્લાયની તંગી અને વધતી માંગને કારણે ભારતીય રિફાઇનર્સે એપ્રિલ મહિનાની ડિલિવરી માટે રશિયા સાથે અંદાજે ૬ કરોડ (૬૦ મિલિયન) બેરલ કાચા તેલનો સોદો કર્યો છે. અમેરિકાએ ભારતને એવા રશિયન કાર્ગો લેવાની મંજૂરી આપી છે જે ૧૨ માર્ચ પહેલા જહાજો પર લોડ થઈ ચૂક્યા હતા, જેના કારણે ભારતની ઉર્જા સુરક્ષા જળવાઈ રહી છે.

પુતિન સરકારની સ્થાનિક પ્રાથમિકતા:
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન પોતાના દેશમાં ઈંધણના ભાવને કાબૂમાં રાખવા માટે પ્રતિબદ્ધ છે. અગાઉ પણ યુક્રેન સાથેના સંઘર્ષ દરમિયાન રિફાઇનરીઓ પર થયેલા હુમલાને કારણે રશિયાએ નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. બેઠક દરમિયાન તેલ કંપનીઓએ ખાતરી આપી છે કે રશિયા પાસે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક છે અને તેમની રિફાઇનરીઓ પૂર્ણ ક્ષમતા સાથે કામ કરી રહી છે. તેમ છતાં, ભવિષ્યમાં જરૂર જણાય તો રશિયા તેલ નિકાસ પર વધુ કડક નિયંત્રણો લાદી શકે છે તેવા સંકેતો અલેક્ઝાન્ડર નોવાકે આપ્યા છે.

(6:34 PM IST)