News of Saturday, 28th March 2026
અમેરિકાના શસ્ત્રાગારમાં ટૉમહોક મિસાઈલોની ભારે અછત : ઈરાન સામેના યુદ્ધમાં ૮૫૦થી વધુ મિસાઈલો દાગી દેવાતા અમેરિકી સંરક્ષણ મંત્રાલયમાં ચિંતા વધી
૪ સપ્તાહમાં કુલ જથ્થાનો ચોથો ભાગ ખર્ચાઈ જતા સ્ટોક પૂરો થવાની ભીતિ : એક મિસાઈલ બનાવતા બે વર્ષનો સમય લાગે છે ત્યારે ચીન સામેના સંભવિત ખતરા વચ્ચે સુપરપાવર અમેરિકાની સૈન્ય ક્ષમતા પર ઉભા થયા સવાલો

વોશિંગ્ટન ડીસી: ઈરાન સામે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં અમેરિકા તેના સૌથી શક્તિશાળી હથિયાર ગણાતી 'ટૉમહોક ક્રૂઝ મિસાઈલ'નો બેફામ ઉપયોગ કરી રહ્યું છે. એક અહેવાલ મુજબ, છેલ્લા ચાર સપ્તાહમાં અમેરિકાએ ૮૫૦થી વધુ ટૉમહોક મિસાઈલો દાગી દીધી છે. અમેરિકી નૌસેના પાસે અંદાજે ૪,૦૦૦ મિસાઈલોનો જથ્થો હતો, જેમાંથી ૨૫ ટકા જેટલો સ્ટોક માત્ર એક જ મહિનામાં ખતમ થઈ ગયો છે. જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો અમેરિકા પાસે મિસાઈલો ખૂટી જવાની અને સાથી દેશોને મદદ ન કરી શકવાની ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે.
ઉત્પાદન ધીમું અને ખર્ચાળ:
ટૉમહોક મિસાઈલ બનાવવાની પ્રક્રિયા અત્યંત જટિલ અને સમય માંગી લે તેવી છે. એક મિસાઈલ તૈયાર કરવામાં અંદાજે ૨ વર્ષનો સમય લાગે છે અને તેની કિંમત ૩૬ લાખ ડોલર (આશરે ૩૪ કરોડ રૂપિયા) જેટલી થાય છે. અમેરિકાની વર્તમાન ક્ષમતા મુજબ તે વર્ષે માત્ર ૬૦૦ મિસાઈલો બનાવી શકે છે. આ સંજોગોમાં જે ઝડપે મિસાઈલોનો વપરાશ થઈ રહ્યો છે, તેની સામે નવો સ્ટોક ઉભો કરવામાં વર્ષો નીકળી જાય તેમ છે. જાપાન સાથે સંયુક્ત ઉત્પાદનનો કરાર પણ ટેકનિકલ સુરક્ષા અને સ્થાનિક વિરોધને કારણે અટવાયેલો છે.
ચીન સામે પછડાટ ખાવાનું જોખમ :
વૈશ્વિક સંરક્ષણ નિષ્ણાતોના મતે, અમેરિકા માટે સૌથી મોટો પડકાર ચીન છે. ચીન અત્યારે અમેરિકા કરતા ૫ થી ૬ ગણી ઝડપે અત્યાધુનિક હથિયારો બનાવી રહ્યું છે. વૈશ્વિક મેન્યુફેક્ચરિંગમાં ચીનનો હિસ્સો ૨૮ ટકા છે, જ્યારે અમેરિકાનો માત્ર ૧૭ ટકા છે. ચીનનું એક શિપયાર્ડ અમેરિકાના તમામ શિપયાર્ડ કરતા વધુ જહાજો બનાવવાની ક્ષમતા ધરાવે છે. જો અમેરિકા તેની સૈન્ય ઉત્પાદન ક્ષમતા નહીં વધારે તો તે ઇતિહાસમાં બ્રિટન અને જર્મનીની જેમ ઉભરતી શક્તિઓ સામે પાછળ રહી જશે તેવી ચેતવણી અપાઈ રહી છે.
રશિયાનો તેલ પ્રતિબંધ અને વૈશ્વિક અસર:
બીજી તરફ, રશિયાએ ૧ એપ્રિલથી આગામી ૪ મહિના માટે પેટ્રોલની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. આ નિર્ણયની ભારત પર ઓછી અસર થશે, પરંતુ ચીન, તુર્કી અને બ્રાઝિલ જેવા દેશો મુશ્કેલીમાં મુકાઈ શકે છે. અમેરિકામાં પણ પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અગાઉથી જ સાથી દેશોને સંરક્ષણ પાછળ વધુ ખર્ચ કરવા દબાણ કરી રહ્યા હતા. અત્યારે અમેરિકા તેના જીડીપીના ૩ થી ૯.૪ ટકા રક્ષા પાછળ ખર્ચે છે, જ્યારે સાથી દેશો ૧ ટકાથી પણ ઓછો ખર્ચ કરે છે. બદલાતી જતી આ ભૌગોલિક - રાજકીય પરિસ્થિતિમાં અમેરિકાએ હવે સાથી દેશો સાથે મળીને ઉત્પાદન ક્ષમતા વધારવી અનિવાર્ય બની ગઈ છે.
(4:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
