News of Saturday, 28th March 2026
મિડલ ઈસ્ટમાં યુદ્ધનું રૌદ્ર સ્વરૂપ : ઇઝરાયેલના ૫૦ ફાઈટર જેટ્સે ઈરાનના પરમાણુ મથકો અને હથિયાર ફેક્ટરીઓ પર કર્યો પ્રચંડ હુમલો
ઈરાનનો સાઉદીમાં અમેરિકી એરબેઝ પર મિસાઈલ મારો અને દુબઈમાં ૫૦૦ સૈનિકો પર હુમલાનો દાવો : ઇરાક નાં મજનૂન ઓઈલ ફિલ્ડ પર ડ્રોન પડતા મચી અફરાતફરી

તેલ અવીવ: ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના ૨૮મા દિવસે સ્થિતિ વધુ સ્ફોટક બની છે. ઇઝરાયેલની વાયુસેનાએ ૫૦ ફાઈટર જેટ્સ સાથે ઈરાનની સરહદમાં ઘૂસીને અનેક કલાકો સુધી બોમ્બમારો કર્યો હતો. ઇઝરાયેલી સેનાના જણાવ્યા અનુસાર, શુક્રવાર રાત્રે ઈરાનના અરાક અને યઝદ સહિતના ત્રણ મહત્વના વિસ્તારોમાં પરમાણુ કાર્યક્રમ સાથે જોડાયેલા ઠેકાણાઓ અને બેલેસ્ટિક મિસાઈલના પુર્જા બનાવતી ફેક્ટરીઓને નિશાન બનાવવામાં આવી હતી. અરાકમાં આવેલા હેવી વોટર પ્લાન્ટ પર પણ હુમલો કરાયો છે, જે પરમાણુ હથિયારો માટે પ્લુટોનિયમ તૈયાર કરવામાં મહત્વનો ગણાય છે.
દુબઈ અને સાઉદીમાં અમેરિકી ઠેકાણાઓ પર હુમલા:
સામે પક્ષે ઈરાને પણ વળતો પ્રહાર કરતા સાઉદી અરેબિયાના પ્રિન્સ સુલતાન એરબેઝ પર ૬ બેલેસ્ટિક મિસાઈલ અને ૨૯ ડ્રોન ફેંક્યા હતા, જેમાં ૧૫ સૈનિકો ઘાયલ થયા છે અને ૫ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઈરાનની મિલિટરી યુનિટ 'ખતમ અલ-અંબિયા ઓફિસ'એ દાવો કર્યો છે કે તેમણે દુબઈમાં બે જગ્યાએ મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે, જ્યાં ૫૦૦થી વધુ અમેરિકી સૈનિકો હાજર હતા. ઈરાને ચેતવણી આપી છે કે આ વિસ્તાર અમેરિકી સૈનિકો માટે 'કબ્રસ્તાન' સાબિત થશે.
દુબઈમાં યુક્રેની એર ડિફેન્સ સિસ્ટમ તબાહ કર્યાનો દાવો:
ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એવો સનસનીખેજ દાવો કર્યો છે કે તેમણે દુબઈમાં એક એવા ઠેકાણાને તબાહ કર્યું છે જ્યાં યુક્રેનનું એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત હતું. ઈરાન મુજબ આ કેમ્પસમાં ૨૧ યુક્રેની નાગરિકો હાજર હતા અને આ ઓપરેશનમાં આખું કેમ્પસ નેસ્તનાબૂદ કરી દેવાયું છે. ઉલ્લેખનીય છે કે આ દાવો એવા સમયે આવ્યો છે જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી ખાડી દેશોના પ્રવાસે છે અને તેમણે સાઉદી અરેબિયા સાથે સુરક્ષા કરાર કર્યા છે.
ઈરાનનું ભારત પ્રત્યે અનોખું સમર્થન અને ઇરાકમાં ડ્રોન પડતા ફફડાટ:
આ યુદ્ધ વચ્ચે ઈરાની સેનાએ ઇઝરાયેલ પર જે મિસાઈલો દાગી હતી તેના પર 'થેન્ક યુ ઈન્ડિયા' (Thank You India) લખીને આભાર વ્યક્ત કર્યો છે. ઈરાન મુજબ આ સંદેશ તે દેશો માટે છે જેમણે ઈરાન પ્રત્યે સમર્થન દર્શાવ્યું છે. બીજી તરફ, ઇરાકના દક્ષિણ ભાગમાં આવેલા મહત્વના મજનૂન ઓઈલ ફિલ્ડ પર એક ડ્રોન આવી પડ્યું હતું, જોકે તે ફાટ્યું ન હોવાથી મોટી હોનારત ટળી ગઈ હતી.
ઈરાની રાષ્ટ્રપતિએ કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ઈરાનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે આર્થિક ઠેકાણાઓ પર હુમલા થશે તો તેનું પરિણામ ભયાનક આવશે. તેમણે અન્ય ખાડી દેશોને પણ ચેતવણી આપી છે કે તેઓ પોતાની જમીનનો ઉપયોગ ઈરાનના દુશ્મનોને યુદ્ધ માટે કરવા ન દે. હાલમાં લેબનોન સહિતના વિસ્તારોમાં લોકો ભયના મારે ગામડાઓ ખાલી કરી રસ્તાઓ પર રાત ગુજારવા મજબૂર બન્યા છે.
(5:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
