News of Saturday, 28th March 2026
પાકિસ્તાન ફરી 'દેવાના ડુંગર' નીચે: શું IMFની $1.2 બિલિયનની નવી લોન પડોશી દેશના ડૂબતા વહાણને બચાવી શકશે?
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને આકાશને આંબતી મોંઘવારી વચ્ચે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ સાથે સ્ટાફ-સ્તરનો કરાર કર્યો : જે હવે મંજૂરીની અંતિમ રાહમાં

ઈસ્લામાબાદ: પાકિસ્તાનની અર્થવ્યવસ્થા હાલમાં એક એવા વળાંક પર ઉભી છે જ્યાં તે માત્ર વિદેશી લોન અને "બેઈલઆઉટ પેકેજ" પર નિર્ભર છે. તાજેતરમાં, પાકિસ્તાન અને IMF વચ્ચે $1.2 બિલિયનની લોન માટે સ્ટાફ-સ્તરનો મહત્વનો કરાર થયો છે. આ રકમ બે ભાગમાં વહેંચાયેલી છે: $1 બિલિયન 'એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી' હેઠળ અને $210 મિલિયન 'રેઝિલિયન્સ એન્ડ સસ્ટેનેબિલિટી ફેસિલિટી' હેઠળ મળશે. જો IMF બોર્ડ આને લીલી ઝંડી આપે છે, તો વર્તમાન પ્રોગ્રામ હેઠળ પાકિસ્તાને લીધેલી કુલ લોનનો આંકડો $4.5 બિલિયન પર પહોંચી જશે. આ આર્થિક મદદ પાકિસ્તાન માટે 'ઓક્સિજન' સમાન છે, પરંતુ તે તેની વધતી જતી દેવાની જાળને વધુ ઊંડી બનાવી રહી છે.
મધ્ય પૂર્વમાં ઇરાન અને અમેરિકા વચ્ચેના વધતા તણાવે પાકિસ્તાનની કમર તોડી નાખી છે. વૈશ્વિક બજારમાં તેલના ભાવમાં થયેલા ઉછાળાની સીધી અસર પાકિસ્તાનના સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડી છે. માર્ચ 2026માં જ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 20% જેટલો તોતિંગ વધારો ઝીંક્યો છે, જેના કારણે પેટ્રોલ ₹321 અને ડીઝલ ₹335 પ્રતિ લિટરના ઐતિહાસિક સ્તરે પહોંચી ગયું છે. મોંઘવારીનો દર જે જાન્યુઆરીમાં 5.8% હતો, તે ફેબ્રુઆરીમાં વધીને 7% થઈ ગયો છે. સ્ટેટ બેંક ભલે 2026માં ફુગાવો નિયંત્રણમાં રહેવાની આશા રાખતી હોય, પરંતુ ખાદ્ય ચીજવસ્તુઓ અને વીજળીના આસમાને પહોંચેલા ભાવ જનતામાં ભારે રોષ જન્માવી રહ્યા છે.
આર્થિક નિષ્ણાતોના મતે, પાકિસ્તાન હવે વિકાસશીલ દેશોની હરોળમાંથી પણ નીચે સરકી રહ્યું છે. દેશની GDP વૃદ્ધિ 2026 માં 3.6% રહેવાનો અંદાજ છે, જે તેની વધતી વસ્તી અને જરૂરિયાતો સામે અત્યંત ઓછી છે. પાકિસ્તાન ક્યારેક વર્લ્ડ બેંક તો ક્યારેક IMF સામે મદદની ભીખ માંગીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. જોકે, આ લોન માત્ર ટૂંકા ગાળાની રાહત આપે છે, જ્યારે લાંબા ગાળે પાકિસ્તાને આકરા આર્થિક સુધારા અને કરવેરા લાદવા પડશે, જે તેની જનતા માટે વધુ મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. શું આ નવી લોન પાકિસ્તાનને સ્થિરતા આપશે કે તે માત્ર આગામી મોટા આર્થિક સંકટની પૂર્વતૈયારી છે, તે જોવું રહ્યું.
(5:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
