<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

ગુજરાતના મેગા પ્રોજેક્ટ્સ હવે સીધા પીએમઓના રડાર પર : કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યના વ્યૂહાત્મક વિકાસ કાર્યોનું સીધું મોનિટરિંગ શરૂ

ત્રણ દાયકાથી વિલંબિત કલ્પસર યોજનાનો પણ પીએમઓ લિસ્ટમાં સમાવેશ : ગિફ્ટ સિટી, બુલેટ ટ્રેન, ધોલેરા સ્માર્ટ સિટી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સના સમયસર અમલીકરણ માટે દિલ્હીથી સીધું નિરીક્ષણ

રાજકોટ:ગુજરાત રાજ્યના આર્થિક અને માળખાગત વિકાસ માટે અત્યંત મહત્વના ગણાતા વિવિધ મેગા પ્રોજેક્ટ્સ હવે સીધા વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) ના સીધા નિયંત્રણ અને દેખરેખ હેઠળ આવી ગયા છે. આ પ્રોજેક્ટ્સની રાષ્ટ્રીય અને વ્યૂહાત્મક અગત્યતાને ધ્યાને રાખીને પીએમઓ દ્વારા તેનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી આંતરરાષ્ટ્રીય સ્તરની આ યોજનાઓમાં કોઈપણ પ્રકારનો વિલંબ ન થાય.

કેન્દ્રની સીધી દેખરેખ હેઠળના મુખ્ય પ્રોજેક્ટ્સ:
પીએમઓ દ્વારા જે પ્રોજેક્ટ્સ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે તેમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ, ગિફ્ટ સિટી (GIFT City), ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ અને સ્માર્ટ સિટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર (DMIC), વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર (DFC) અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ્સની પ્રગતિનો અહેવાલ પણ સીધો કેન્દ્ર સરકાર મંગાવી રહી છે.

કલ્પસર યોજનામાં ત્રણ દાયકા બાદ નવી આશા:
આ યાદીમાં તાજેતરમાં જે સૌથી મોટો ઉમેરો થયો છે તે 'કલ્પસર પ્રોજેક્ટ' છે. છેલ્લાં અંદાજે ૩૦ વર્ષથી વિચારણા હેઠળ રહેલી આ યોજના અત્યાર સુધી માત્ર અભ્યાસના તબક્કામાં જ અટવાયેલી હતી. જોકે, હવે પીએમઓના હસ્તક્ષેપ બાદ રાજ્ય સરકાર દ્વારા આ અંગેનો વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) ટૂંક સમયમાં તૈયાર કરવામાં આવશે તેવી શક્યતા છે. ડીપીઆર તૈયાર થયા બાદ આ મહત્વકાંક્ષી યોજના પર વાસ્તવિક કામગીરી શરૂ થવાના સંકેતો મળી રહ્યા છે.

વહીવટી તંત્ર સક્રિય - મુખ્ય સચિવનું સતત માર્ગદર્શન:
કેન્દ્ર સાથે જોડાયેલા આ પ્રોજેક્ટ્સની ગંભીરતાને જોતા ગુજરાતના મુખ્ય સચિવ એમ.કે. દાસ દ્વારા સતત સમીક્ષા બેઠકો યોજવામાં આવી રહી છે. તેઓ સંબંધિત વિભાગના અધિકારીઓને પ્રોજેક્ટ્સની સમયમર્યાદા જાળવવા અને નડતરરૂપ પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે જરૂરી આદેશો આપી રહ્યા છે. બીજી તરફ, વડાપ્રધાનના અગ્ર સચિવ અને ગુજરાત કેડરના નિવૃત્ત આઈએએસ અધિકારી પી.કે. મિશ્રાએ તાજેતરમાં ગિફ્ટ સિટી ખાતે આયોજિત 'IFSCA ટેલેન્ટ વિસ્ટા સમિટ'માં હાજરી આપી હતી, જે રાજ્યના વિકાસલક્ષી કાર્યોમાં પીએમઓના સતત જોડાણનો પુરાવો આપે છે.

(6:09 PM IST)