<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

આકાશમાં ગુંજશે 'બૈકલ'નો નવો ગર્જનાભર્યો અવાજ: MiG-29 હવે અત્યાધુનિક ASRAAM મિસાઇલથી દુશ્મનોનો કરશે સફાયો

ભારતીય વાયુસેનાએ સોવિયેત યુગની જૂની R-73 મિસાઇલોને સ્થાને અત્યાધુનિક ચોથી પેઢીની બ્રિટિશ ASRAAM સિસ્ટમ લગાવવાની પ્રક્રિયા તેજ કરી : 5,000 km/h ની પ્રચંડ ઝડપ અને 'ફાયર એન્ડ ફોર્ગેટ' ટેકનોલોજીથી ચીન અને પાકિસ્તાનના ફાઇટર જેટ્સમાં ફેલાશે ખૌફ

નવી દિલ્હી:  ભારતીય વાયુસેનાએ તેની હુમલાની ક્ષમતાને 'નેક્સ્ટ લેવલ' પર લઈ જવા માટે તેના ભરોસાપાત્ર MiG-29 UPG "બૈકલ" ફાઇટર જેટ્સને વધુ ઘાતક બનાવવાનો માસ્ટરપ્લાન તૈયાર કર્યો છે. ૨૫ માર્ચના રોજ સંરક્ષણ મંત્રાલયે જારી કરેલી નવી દરખાસ્ત  મુજબ, હવે આ વિમાનોમાં ૧૯૮૦ના દાયકાની જૂની રશિયન R-73 મિસાઇલોને હટાવીને અત્યાધુનિક યુરોપિયન ASRAAM મિસાઇલો ફીટ કરવામાં આવશે. ભારત પાસે હાલમાં આશરે ૫૫ મિગ-૨૯ વિમાનોનો કાફલો છે, જે હવે આ નવી સિસ્ટમથી સજ્જ થઈને આસમાનમાં ભારતનું વર્ચસ્વ જાળવી રાખવા માટે પૂરતા છે. આ અપગ્રેડેશન માત્ર મિસાઇલ બદલવા પૂરતું નથી, પરંતુ તેમાં નવા લોન્ચર્સ અને પાઇલટ્સની અત્યાધુનિક તાલીમનો પણ સમાવેશ થાય છે.

ASRAAM (એડવાન્સ્ડ શોર્ટ રેન્જ એર-ટુ-એર મિસાઇલ) ની તાકાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે અવાજની ગતિ કરતાં અનેકગણી વધુ એટલે કે અંદાજે ૫,૦૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે લક્ષ્ય તરફ ધસે છે. તેની રેન્જ ૨૫ થી ૩૦ કિલોમીટર છે, જે જૂની મિસાઇલો કરતા બમણી છે. આ મિસાઇલ 'ઇન્ફ્રારેડ હોમિંગ' ટેકનોલોજી પર કામ કરે છે, જેનો અર્થ છે કે તે દુશ્મન વિમાનના એન્જિનની ગરમીને સેન્સ કરીને તેનો પીછો કરે છે. સૌથી મોટી ખાસિયત એ છે કે એકવાર લોન્ચ કર્યા પછી પાઇલટે તેને ગાઇડ કરવાની જરૂર રહેતી નથી; તે 'ફાયર એન્ડ ફોર્ગેટ' સિસ્ટમ પર આપમેળે દુશ્મનને શોધીને તેનો નાશ કરે છે. ૮૮ કિલોની આ મિસાઇલ એટલી ચપળ છે કે દુશ્મન વિમાન ગમે તેટલા કાવાદાવા કરે, તે બચી શકતું નથી.

વ્યૂહાત્મક રીતે આ નિર્ણય ચીનની PL-10 અને પાકિસ્તાનના આધુનિક હથિયારો સામે ભારતનું પલ્લું ભારે કરશે. ASRAAM ની મોટી રોકેટ મોટર તેને લાંબા અંતર સુધી પોતાની ઉર્જા અને ગતિ જાળવી રાખવામાં મદદ કરે છે, જે હવામાં થતી સીધી લડાઈ (Dogfight) માં ભારતીય પાયલોટ્સને ટેકનિકલ સરસાઈ અપાવશે. ખાસ વાત એ છે કે, ભારત ડાયનેમિક્સ લિમિટેડ  હૈદરાબાદમાં આ મિસાઇલોનું એસેમ્બલીંગ કરી રહ્યું છે, જે 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ ભારતની આત્મનિર્ભરતાને વધુ મજબૂત બનાવશે. નવા રડાર અને આ વિધ્વંસક મિસાઇલ સિસ્ટમથી સજ્જ MiG-29 હવે પશ્ચિમી અને ઉત્તરી સરહદો પર ભારતની રક્ષા કરતું એક અભેદ્ય કવચ બની જશે.

(7:08 PM IST)