<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

નારી શક્તિ વંદન કાયદામાં ઐતિહાસિક સુધારો: મે મહિનામાં સંસદનું ખાસ સત્ર : મહિલા અનામત વહેલું લાગુ થશે

.......વસ્તી ગણતરી અને સીમાંકનની લાંબી રાહનો અંત લાવવા કેન્દ્ર સરકારનો માસ્ટરસ્ટ્રોક : ૨૦૧૧ના આંકડા મુજબ ૩૩% અનામત લાગુ કરી ૨૦૨૬ની બંગાળ ચૂંટણીના સમીકરણો બદલવાની તૈયારી

નવી દિલ્હી:  ભારત સરકાર આગામી મે મહિનામાં બે દિવસ માટે સંસદનું વિશેષ સત્ર બોલાવી 'નારી શક્તિ વંદન કાયદા-૨૦૨૩' માં મોટો સુધારો કરવા જઈ રહી છે. અગાઉની જોગવાઈ મુજબ, નવી વસ્તી ગણતરી અને સીમાંકન બાદ જ મહિલાઓને ૩૩% અનામત મળવાની હતી, પરંતુ હવે સરકાર ૨૦૧૧ની વસ્તી ગણતરીના આધારે જ તેને તાત્કાલિક લાગુ કરવાની યોજના બનાવી રહી છે. ૨ એપ્રિલે વર્તમાન સત્ર મુલતવી રાખતા પહેલા સરકાર આ ખાસ સત્ર અંગે સત્તાવાર જાહેરાત કરશે, જે ભારતીય સંસદીય ઈતિહાસમાં મહિલા સશક્તિકરણ માટે એક વળાંક સાબિત થશે.

૧૯૯૬થી લટકેલા આ બિલને સપ્ટેમ્બર ૨૦૨૩માં અભૂતપૂર્વ બહુમતી સાથે મંજૂરી મળી હતી, પરંતુ તેના અમલીકરણની શરતોને લીધે વિપક્ષો સતત સવાલો ઉઠાવી રહ્યા હતા. હવે સરકાર સીમાંકનની જટિલ પ્રક્રિયા વગર જ અનામતનો લાભ આપવા માટે કાયદાકીય માળખામાં ફેરફાર કરશે. આ સુધારા બાદ લોકસભા અને તમામ રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે બેઠકો આરક્ષિત થઈ જશે. આ પગલાથી દાયકાઓથી ચાલી આવતી પ્રતીક્ષાનો અંત આવશે અને રાજકારણમાં મહિલાઓની ભાગીદારી સીધી રીતે સુનિશ્ચિત થશે.

વ્યૂહાત્મક રીતે આ સુધારો ૨૦૨૬માં યોજાનારી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. બંગાળમાં મહિલા વોટ બેંક પર મજબૂત પકડ ધરાવતી તૃણમૂલ કોંગ્રેસ સામે આ એક મોટું રાજકીય હથિયાર બનશે. જો મહિલા અનામત વહેલી લાગુ થાય તો તેનો સીધો શ્રેય ભાજપને મળી શકે છે, જે ટીએમસીના ગઢમાં ગાબડું પાડવા માટે સક્ષમ છે. આ આર્થિક અને સામાજિક સુધારા પાછળ આગામી ચૂંટણીઓના ગણિત પણ તેટલા જ મહત્વના માનવામાં આવી રહ્યા છે.

(7:09 PM IST)