News of Saturday, 28th March 2026
યુરોપમાં 'કિટકેટ'ની મોટી લૂંટ: ૧૨ ટન ચોકલેટ ભરેલો ટ્રક રહસ્યમય રીતે ગાયબ: ઈસ્ટરના તહેવાર પર સંકટ
મધ્ય ઇટાલીથી પોલેન્ડ જઈ રહેલા ૪.૧૩ લાખ કિટકેટ બાર રસ્તામાં જ ગુમ: નેસ્લે કંપનીએ 'બેચ કોડ' દ્વારા ચોરોને પકડવા બિછાવી જાળ: બ્લેક માર્કેટમાં વેચાવાનો ભય

રોમ: યુરોપમાં અત્યારે કોઈ કિંમતી ઘરેણાં કે રોકડ નહીં, પરંતુ લોકપ્રિય 'કિટકેટ' ચોકલેટની ચોરીએ સનસનાટી મચાવી દીધી છે. સ્વિટ્ઝર્લૅન્ડની દિગ્ગજ ફૂડ કંપની નેસ્લેએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે તેમનો ૧૨ ટન ચોકલેટ ભરેલો એક આખો ટ્રક પરિવહન દરમિયાન રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો છે. આ કન્સાઇનમેન્ટમાં આશરે ૪,૧૩,૭૯૩ ચોકલેટ યુનિટ્સ હતા. મધ્ય ઇટાલીના ઉત્પાદન એકમથી પોલેન્ડના વિતરણ કેન્દ્ર તરફ જઈ રહેલો આ ટ્રક હજુ સુધી ક્યાં પહોંચ્યો તેની કોઈ કડી મળી નથી, જેના કારણે સપ્લાય ચેઇન સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા થયા છે.
આ ચોરી માત્ર આર્થિક નુકસાન જ નહીં, પરંતુ આગામી ઈસ્ટરના તહેવાર માટે પણ મોટું સંકટ લઈને આવી છે. યુરોપમાં ઈસ્ટર દરમિયાન ચોકલેટની માંગ આસમાને હોય છે, અને આટલા મોટા જથ્થાની ચોરીને કારણે બજારમાં કિટકેટની ભારે અછત સર્જાય તેવી શક્યતા છે. કંપનીને ડર છે કે લૂંટાયેલો આ માલ ગ્રે માર્કેટ અથવા બિનસત્તાવાર નાની દુકાનોમાં સસ્તા ભાવે વેચાઈ શકે છે. નેસ્લેએ ગ્રાહકો અને વેપારીઓને ચેતવણી આપી છે કે જો કોઈ શંકાસ્પદ રીતે મોટી માત્રામાં ચોકલેટ વેચવા આવે, તો તુરંત સત્તાવાળાઓનો સંપર્ક કરવો.
જોકે, નેસ્લેએ ચોરોને પકડવા માટે એક ખાસ ટેકનિકલ હથિયારનો ઉપયોગ કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, દરેક કિટકેટ બાર પર એક વિશિષ્ટ 'બેચ કોડ' પ્રિન્ટ થયેલો હોય છે. આ કોડ દ્વારા કંપની દરેક ચોકલેટ ક્યાં બની અને ક્યાં પહોંચવાની હતી તેને ટ્રેક કરી શકે છે. હાલમાં સ્થાનિક પોલીસ અને ઇન્ટરપોલ જેવી એજન્સીઓ આ બેચ કોડના આધારે વિવિધ દેશોના બજારોમાં નજર રાખી રહી છે. આ અનોખી ચોરી પાછળ કોઈ વ્યવસ્થિત આંતરરાષ્ટ્રીય ગેંગનો હાથ હોવાની આશંકા સેવાઈ રહી છે, જે તહેવારોની મોસમનો ફાયદો ઉઠાવવા માંગે છે.
(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
