News of Saturday, 28th March 2026
વૈશ્વિક બજારમાં 'ટ્રમ્પ કાર્ડ' અને યુદ્ધનો ફફડાટ: $7 ટ્રિલિયન સ્વાહા, રોકાણકારોના જીવ અધ્ધર
ઈરાન યુદ્ધ અને હોર્મુઝ રોકવા બદલ ટ્રમ્પના આકરા અલ્ટીમેટમથી તેલના ભાવમાં ૭૦%નો તોતિંગ ઉછાળો : એપ્રિલના પ્રથમ ૧૦ દિવસ આર્થિક જગત માટે અત્યંત જોખમી બની રહેશે

ન્યૂ યોર્ક: વૈશ્વિક અર્થતંત્ર હાલમાં સૌથી મોટા ભૂ-રાજકીય સંકટનો સામનો કરી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને એપ્રિલ સુધીમાં હોર્મુઝની સામુદ્રધુની ખોલવા માટે છેલ્લી ચેતવણી આપી છે, જેના કારણે વૈશ્વિક શેરબજારોમાંથી અંદાજે $7 ટ્રિલિયન જેટલી જંગી રકમ ધોવાઈ ગઈ છે. ટ્રમ્પના આકરા વલણ અને પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાની ધમકીએ તેલ અને ગેસના ભાવમાં અનુક્રમે 70% અને 85% નો વધારો ઝીંક્યો છે, જેણે મોંઘવારીના ડામને વધુ વ્યાપક બનાવ્યો છે.
આ આર્થિક ઉથલપાથલની સીધી અસર વ્યાજ દરો પર પડી રહી છે. યુરોપ અને અમેરિકામાં ફુગાવો બેકાબૂ બનતા સેન્ટ્રલ બેંકો વ્યાજ દરો ઘટાડવાને બદલે વધારવા મજબૂર બની છે. ખાસ કરીને ઉર્જા-સઘન એવા AI ઉદ્યોગ અને સેમિકન્ડક્ટર ચિપ્સના વેપાર પર પ્રશ્નાર્થચિહ્ન ઉભા થયા છે. દક્ષિણ કોરિયાના આગામી ટ્રેડ ડેટા સ્પષ્ટ કરશે કે DRAM ચિપ્સનો સપ્લાય આ યુદ્ધની સ્થિતિમાં કેટલો સુરક્ષિત છે, જે સમગ્ર ટેકનોલોજી સેક્ટરની દિશા નક્કી કરશે.
રોકાણકારો માટે માર્ચનો અંત અને એપ્રિલની શરૂઆત 'અગ્નિપરીક્ષા' સમાન છે. એકતરફ અમેરિકામાં વધતી બેરોજગારીના આંકડા અને બીજી તરફ ઉર્જાના વધતા ભાવોએ અનિશ્ચિતતા ફેલાવી છે. ટ્રમ્પના એક નિવેદન માત્રથી મિનિટોમાં તેલના ભાવમાં 15% નો ફેરફાર જોવા મળ્યો હતો, જે બજારની નાજુક સ્થિતિ દર્શાવે છે. હવે તમામની નજર આગામી ૧૦ દિવસ પર છે, જેમાં કોર્પોરેટ પરિણામો અને યુદ્ધની સ્થિતિ નક્કી કરશે કે બજાર રિકવર થશે કે હજુ મોટા કડાકા જોવા મળશે.
(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
