News of Saturday, 28th March 2026
વૈશ્વિક યુદ્ધના વંટોળ વચ્ચે પીએમ મોદીનું 'શાંતિ મિશન': સાઉદી પ્રિન્સને ફોન કરી આપી ગંભીર ચેતવણી
મધ્ય પૂર્વમાં ઈરાન-અમેરિકા જંગ વચ્ચે વડાપ્રધાને ઊર્જા સ્થાપનોની સુરક્ષા પર મૂક્યો ભાર : હોર્મુઝમાં ભારતીય જહાજોને સુરક્ષિત રાખવા ટ્રમ્પ અને સાઉદી ક્રાઉન પ્રિન્સ સાથે કરી 'માસ્ટર ડિપ્લોમેસી'

નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં ફાટી નીકળેલા ભીષણ યુદ્ધની આગમાં જ્યારે આખું વિશ્વ હોમાઈ રહ્યું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની ઊર્જા સુરક્ષા અને દરિયાઈ વેપારને બચાવવા માટે મોટું રાજદ્વારી કદમ ઉઠાવ્યું છે. પીએમ મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ઊર્જા સ્થાપનો પર થતા હુમલાઓ કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે તેલ અને ગેસના ભાવ આસમાને પહોંચી રહ્યા છે.
પીએમ મોદીની આ વ્યૂહરચના અત્યંત મહત્વની છે કારણ કે તેમણે માત્ર સાઉદી અરેબિયા જ નહીં, પરંતુ તાજેતરમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ ફોન પર લાંબી ચર્ચા કરી હતી. બંને નેતાઓ હોર્મુ ને ખુલ્લી રાખવા અને દરિયાઈ માર્ગો પર 'નેવિગેશનની સ્વતંત્રતા' જાળવવા સંમત થયા છે. ખાસ વાત એ છે કે, ઈરાને ભારતને તેના 'મિત્ર' દેશોની યાદીમાં સામેલ કરીને હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત માર્ગ આપવાનું વચન આપ્યું છે. ભારતના બે LPG ટેન્કરો આ ખતરનાક દરિયાઈ માર્ગને સફળતાપૂર્વક પાર કરી ગયા છે, જે ભારતની વધતી જતી રાજદ્વારી શક્તિનો પુરાવો છે.
વાતચીત દરમિયાન પીએમ મોદીએ સાઉદી અરેબિયામાં વસતા લાખો ભારતીય સમુદાયના કલ્યાણ અને સુરક્ષા માટે સાઉદી નેતૃત્વનો આભાર પણ માન્યો હતો. ઈરાન સામેના યુએસ-ઈઝરાયેલ યુદ્ધને કારણે શિપિંગ માર્ગો પર મોટું જોખમ છે, પરંતુ ભારતની ડિપ્લોમેસીએ રશિયા, ચીન અને ઈરાક જેવા દેશો સાથે મળીને એક સુરક્ષિત કોરિડોર બનાવવામાં સફળતા મેળવી છે. પીએમ મોદીના આ સક્રિય અભિગમથી એ સ્પષ્ટ થાય છે કે ભારત આ વૈશ્વિક સંકટમાં મધ્યસ્થી તરીકે અને પોતાના રાષ્ટ્રીય હિતોના રક્ષક તરીકે મજબૂત રીતે ઉભરી આવ્યું છે.
(8:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
