<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

મુંબઈ એરપોર્ટ પર મુસાફરોની ગજબની 'ભૂલવાની બીમારી': એક વર્ષમાં 90,200 ચીજવસ્તુઓ રઝળી પડી, આંકડામાં 35% નો તોતિંગ વધારો

મોંઘા આઈફોનથી લઈને પાસપોર્ટ અને કીમતી ઘરેણાં પણ એરપોર્ટ પર જ મૂકી ગયા પ્રવાસીઓ: દર મહિને સરેરાશ 7500 વસ્તુઓ મળે છે લાવારિસ, જાણો ક્યાં જાય છે આ સામાન?

મુંબઈ:  છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની અવરજવર જેટલી ઝડપી છે, તેટલી જ ઝડપથી મુસાફરો પોતાનો સામાન ભૂલી રહ્યા છે. વર્ષ ૨૦૨૫ના જે આંકડા સામે આવ્યા છે તે ચોંકાવનારા છે. ગત વર્ષે મુંબઈ એરપોર્ટ પર મુસાફરો કુલ ૯૦,૨૦૦ જેટલી ચીજવસ્તુઓ ભૂલી ગયા હતા. આ આંકડો અગાઉના વર્ષ કરતા ૩૫ ટકા વધુ છે, જે દર્શાવે છે કે હવામાં ઉડવાની ઉતાવળમાં મુસાફરો પોતાની જમીની ચીજો પ્રત્યે બેદરકાર બની રહ્યા છે.
એરપોર્ટ પ્રશાસનના ડેટા મુજબ, દર મહિને સરેરાશ ૭૫૦૦ જેટલી વસ્તુઓ 'લોસ્ટ એન્ડ ફાઉન્ડ' વિભાગમાં જમા થાય છે. આ ચીજોમાં માત્ર સામાન્ય થેલીઓ જ નહીં, પરંતુ અત્યંત મહત્વના દસ્તાવેજો, પાસપોર્ટ, કીમતી જ્વેલરી, લેપટોપ અને મોંઘા સ્માર્ટફોનનો પણ સમાવેશ થાય છે. વર્ષ દરમિયાન ૫.૫ કરોડથી વધુ મુસાફરોની ભીડ વચ્ચે સામાન સાચવવો એ સુરક્ષા એજન્સીઓ માટે પણ પડકાર બની રહ્યો છે.
 
નિયમ મુજબ સામાનની સાચવણી:
એરપોર્ટ પ્રશાસન દરેક ખોવાયેલી વસ્તુને નિર્ધારિત પ્રોટોકોલ મુજબ સાચવે છે:
•    મહત્વના દસ્તાવેજો: ૯૦ દિવસ સુધી સાચવવામાં આવે છે.
•    દારૂની બોટલો: એક મહિના સુધી સ્ટોરમાં રખાય છે.
•    નાશવંત વસ્તુઓ (ખાણી-પીણી): માત્ર ૪૮ કલાક સુધી જ રાખવામાં આવે છે.
 
જો કોઈ દાવો ન કરે તો?
મુસાફરોની સુવિધા માટે હવે ૨૪ કલાક ઓનલાઇન સિસ્ટમ કાર્યરત છે, જેના દ્વારા અનેક લોકોને તેમનો સામાન ૨૪ કલાકમાં જ પાછો મળી ગયો હતો. જોકે, નિર્ધારિત સમયમર્યાદા પૂરી થયા બાદ જો કોઈ પોતાનો સામાન લેવા ન આવે, તો તે નિયમ મુજબ કસ્ટમ્સ વિભાગને સોંપવામાં આવે છે અથવા કેટલીક વસ્તુઓ સામાજિક સંસ્થાઓમાં દાન કરી દેવામાં આવે છે.
જો તમે પણ મુંબઈ એરપોર્ટ પરથી મુસાફરી કરવાના હોવ, તો ચેક-ઈન અને સિક્યોરિટી ચેક વખતે તમારા કીમતી સામાનની યાદી જરૂર તપાસી લેજો, નહીં તો તમારો ફોન કે પાસપોર્ટ પણ આ ૯૦ હજાર વસ્તુઓની યાદીમાં જોડાઈ શકે છે!

(8:29 PM IST)